ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ બે દિવસ વધારી દેવામાં આવ્યો છે. ડેડિયાપાટા તાલુકા પંચાયતના પ્રમુખને છુટ્ટો ગ્લાસ અને મોબાઈલ મારવાના ગુનામાં હાલ તેઓ વડોદરા જેલમાં કેદ છે. તેમણે જામીન માટે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં અરજી કરી છે પણ તેની સુનાવણી બે દિવસ બાદ કરાશે. ડેડિયાપાડા આપના ધરાસ્યની મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે છે. અગાઉ વનકર્મીઓને માર મારી ધમકી આપવાના કેસમાં તેઓ શરતી જામીન પર છે ત્યારે સરકારી વકીલે આ જામીન પણ રદ કરવામાં આવે તેવી પણ અરજી કોર્ટમાં આપી છે.
ધારાસભ્ય ચૈતર વસાવા અગાઉ વનકર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છૂટ્યા છે. બે વર્ષ સુધી સારી વર્તણૂક રાખવી તેવી શરતો પર છોડવામાં આવ્યા હતા. તે છતાં વધુ એક ગુનો તેમના વિરુદ્ધ નોંધાયો છે. આ સાથે ચૈતર વિરુદ્ધ વધુ પાંચ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયા છે.
બે દિવસ પહેલા ડેડિયાપાડાની એટીવીટીને બેઠકમાં વેપારીનો સમિતિમાં સમાવેશ કરવા સામે ધારાસભ્ય અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ મારામારી સુધી પહોંચી ગયા હતા. પોલીસે ધારાસભ્ય સામે ગુનો નોંધી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતાં પણ કોર્ટે રિમાન્ડ ન આપતાં તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા છે. ધારાસભ્યએ રાજપીપળાની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. તેની હવે આવતીકાલે એટલે કે ગુરુવારે સુનાવણી થશે.