વધઈ રેન્જના વનકર્મી સનત બિરારીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ૩૮ વર્ષીય સનત બિરારી છેલ્લા દસ વર્ષથી વઘઈ વિસ્તારમાં તૈનાત હતા. તેઓ અવૈધ લાકડાં કાપનારાઓ, શિકારીઓ અને જંગલના ગેરકાયદેસર વેપારીઓ સામે સખત કાર્યવાહી કરતા. તેમની નિષ્ઠા અને નિડરતાને કારણે તેઓ કેટલાક અપરાધીઓની આંખમાં કાંટો બની ગયા હતા. ગઈકાલે રાત્રે સનત રાઉન્ડમાં નીકળ્યા હતા ત્યારે જંગલના સિમ વિસ્તારમાં તેમના પર લાકડા માફિયાઓ દ્વારા અચાનક ઘેરી લઈ તેના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.
અંધારામાં છુપાયેલા ચાર-પાંચ લુખ્ખાઓએ તેમના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો સનતે બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના શરીર પર બે ડઝનથી વધુ ઘા મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોરો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત સનત રોડ પર પડી રહ્યા હતા. સવારે સાથી વનકર્મીઓએ તેમનો મૃતદેહ જોયો ત્યારે આખો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો હતો. સનતની કરુણ હત્યાએ સ્થાનિક વન વિભાગમાં શોકની લાગણી ફેલાવી દીધી હતી. તપાસમાં ખુલાસો થયો કે આ હત્યા અવૈધ લાકડાંના માફિયા દ્વારા કરવામાં આવી હતી. જેમને સનતે અગાઉ અનેક વખત અટકાવ્યા હતા.સનત બિરારીનું બલિદાન જંગલ અને પર્યાવરણની રક્ષા માટેની લડાઈનું પ્રતીક બની ગયું. તેમના પરિવારને સરકારે સહાયની જાહેરાત કરી, પરંતુ તેમની ખોટ ક્યારેય પૂરી થઈ શકે તેમ નથી. આ ઘટનાએ ફરી એક વાર સાબિત કર્યું કે જંગલના રક્ષકોનો જીવ કેટલો જોખમમાં છે.
આ ઘટનામાં પોલીસે ત્રણ જેટલા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વનકર્મીની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. ડાંગમાં છેલ્લાં કેટલાક સમયથી લાકડા ચોરો બેફામ બની રહ્યા છે. વધઈ રેન્જ વિસ્તારમાં સનત બિરારી કેટલાક સમયથી લાકડા ચોરોને અટકાવી રહ્યા હતા. જે લાકડા ચોરોને ના ગમ્યું અને છેવટે લાકડા માફિયાઓએ વનકર્મીની હત્યા કરી નાખી.


