ફિલિપ વસાવા નર્મદા
નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ દેડિયાપાડા તાલુકાના નિવાલ્દા ગામ નજીક સફળ કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ કર્યો. બાતમીના આધારે પોલીસે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલા એક ટાટા આયશર કન્ટેનરને રોકી તપાસ કરતાં અંદાજે ₹79,46,984નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લામાં દારૂની હેરાફેરી સામેની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, LCBને ચોક્કસ બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી ઘનશેરા ચેક પોસ્ટ થઈ દેડિયાપાડાના નિવાલ્દા ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટાટા કંપનીનું આયશર કન્ટેનર (નંબર: MH-04-JK-9319) અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 180 મિલી ક્ષમતાની Royal Blue Malt Whiskyની કુલ 33,552 બોટલો મળી આવી હતી.
પોલીસે કન્ટેનરમાં રહેલો ₹64,41,984 કિંમતનો વિદેશી દારૂ, ₹15,00,000 કિંમતનું વાહન, ₹5,000નો મોબાઇલ ફોન તેમજ અન્ય જપ્ત સામાન સહિત કુલ ₹79,46,984નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના ઘનોડા ગામના રહેવાસી 22 વર્ષીય ઓમપ્રકાશ ભાખરારામ બિસ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા મહાદેવ રાજપૂતને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર કાર્યવાહી નર્મદા LCBની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના જથ્થાનો મૂળ સ્ત્રોત તેમજ તેને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.


