તાપી નિઝરના રૂમકીતળાવમાંથી બોગસ ડૉક્ટરને એલોપેથિક દવાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. શખ્સ પાસેથી જપ્ત કરાયેલી વસ્તુની કિંમત 29,341 થાય છે. તાપી જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે. કારણ કે તાપી જિલ્લામાંથી અનેક વાર બોગસ ડૉક્ટરો ઝડપાઈ આવતા હોય છે. આ બધાં વચ્ચે નિઝરના રૂમકીતળાવ ગામેથી વધુ એક બોગસ ડૉક્ટર ઝડપાયો છે.
બાતમીના આધારે ઝડપાયો નકલી ડૉક્ટર:-

એસ.ઓ.જી શાખાના માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડૉક્ટરને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ હીરેન ચીમન તથા પોલીસ કોન્સ્ટેબલ જયેશ બલીરામને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, રૂમકીતળાવ ગામે શિવજી મંદીરની સામેના વિજયભાઈના મકાનમાં ભાડેથી એક બોગસ ડૉક્ટર રસિકભાઈ કમાજીભાઈ વસાવા કોઈ પણ ડીગ્રી વગર ગેરકાયદે મેડીકલની પ્રેક્ટીસ કરે છે અને લોકોને દવા આપે છે તેવી માહિતી મળતા રાયગઢ પી.એસ.સીના મેડીકલ ઓફીસરને સાથે રાખી સદર જગ્યાએ રેડ પાડતા બોગસ ડોક્ટર ઝડપાય ગયો હતો. બોગસ ડૉક્ટર પાસેથી અલગ-અલગ એલોપેથિક દવાઓ તથા મેડીકલને લાગતો સામનનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
કે.જી.લીમ્બાચીયા, પોલીસ ઈન્સ્પેક્ટર
એ.એસ.આઈ. અજયભાઈ દાદાભાઈ
એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ યાદવરાવ
હેડ કોન્સ્ટેબલ હીરેનભાઈ ચીમનભાઈ
પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ બલીરામભાઈ
આ તમામ એસ.ઓ.જી શાખાના માણસોએ આ બોગસ ડૉક્ટરને બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકચર્ચા એ પણ છે કે, તાપી જિલ્લામાં હજુ પણ ઘણી જગ્યાએ બોગસ ડૉક્ટરો પોતાની દુકાન ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

