ફરી એકવાર સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કરોડો રૂપિયાની દાણચોરી ઝડપાઈ ગઈ છે. દુબઈથી આવેલા દંપતી પાસેથી અંદાજે 25.27 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યમાંથી પકડાયેલી સોનાની સૌથી મોટી 10 દાણચોરીમાંથી એક દાણચોરી માનવામાં આવે છે. દુબઈથી આવેલા દંપતીએ બેગમાં કપડા નીચે અને ફૂટવેરમાં સોનું છૂપાવ્યું હોવાની માહિતી મળી રહી છે.
એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં આવ્યું હતું પરિવાર
સોનાની દાણચોરી કરતું પરિવાર એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટમાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટને શંકા જતા પતિ-પત્નીની તપાસ કરતા તેમની પાસેથી કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું છે. દંપતી પાસેથી અંદાજે 28 કિલો સોનાની પેસ્ટ સ્વરૂપમાં મળી આવતા બંન્નેની ધરપકડ કરવામાં આવી છે.કસ્ટમ વિભાગ બાદ ED અને DRI પણ તપાસમાં જોડાઈ તેવી શક્યતાઓ સામે આવી છે. મહત્વનું છે કે, દુબઈથી સુરત સોનાની દાણચોરીનું મોટું કૌભાંડ તપાસમાં બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે. હાલ તો દંપતીની ધરપકડ કરવામાં આવી છે. આગામી તપાસમાં શું ખુલાસો થાય છે તેની વિગાતની રાહ જોવાઈ રહી છે.