ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ તેમનો જેલવાસો સતત લંબાઈ રહ્યો છે. ગત તારીખ 5 જૂલાઈ 2025ના રોજ ડેડિયાપાડામાં યોજાયેલી સંકલન બેઠક દરમિયાન મહિલા કાર્યકર સાથે દુર્વ્યવહાર અને સંજય વસાવા પર હુમલાનો પ્રયાસ કર્યોના આરોપોને પગલે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ ચૈતર વસાવાને કસ્ટડીમાં લઈ વડોદરાની સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યા હતો. અગાઉ ચૈતર વસાવા દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટેની અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે નામંજૂર કરતા ધારાસભ્ય ચૈતર વસાવા અંદાજે એક મહિનાથી સેન્ટ્રલ જેલમાં કેદ છે.
ચૈતર વસાવાની સુનાવણી પર વિલંબ કેમ ?
ચાર્જશીટ દાખલ થયા પૂર્વે રેગ્યુલર જામીન માટેની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં યોજાવાની હતી. હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર.મેંગદેની કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી કરવાના હતા. જેના પગલે ચૈતર વસાવા તરફથી મોટી સંખ્યામાં વકીલો કોર્ટમાં હાજર રહ્યા હતા. જો કે સ્ટેટ ઓફ ગુજરાતની અરજીનો ક્રમ 87 હોવા છતાં મંગળવારે કોર્ટની સુનાવણી બોર્ડમાં કાર્યવાહી માત્રને માત્ર 76 નંબર સુધી જ પહોંચી હતી. જેના પગલે ચૈતર વસાવાની અરજીની સુનાવણી થઈ શકી નથી.
હવે 13 ઓગસ્ટે ચૈતરની અરજી પર સુનાવણી થશે ?
હવે આગામી 13 ઓગસ્ટના રોજ ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણીની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે. આમ ચૈતર વસાવાને જેલવાસો વધુ એકવાર લંબાય ગયો છે. હવે આગામી 13મી ઓગસ્ટની સુનાવણી સુધી ચૈતર વસાવાને સેન્ટ્રલ જેલમાં જ રહેવું પડશે.
ચૈતર વસાવા સામે ક્યાં ગુના નોંધાયેલા છે ?
આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસ સહિત ભારતીય નાગરિક સુરક્ષાં સંહિતાની કલમ 483,109(1),79,115(2) 118(1),351(3),352 અને 324(3)નો સમાવેશ થાય છે. આ ગુનાઓના આધારે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી અને તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. હવે ચૈતર વસાવાની સુનાવણી પર તારીખ પે તારીખ પડતા વસાવાને જેલમાં રહેવું પડે તેમ છે.