ગુજરાતમાં ચોમાસાએ વિધિવત રીતે એન્ટ્રી મારી લીધી છે. કારણ કે છેલ્લાં ત્રણ-ચાર દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ બધાં વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ક્યા વિસ્તારમાં વધારે વરસાદ પડશે તેની વાત કરીએ તો, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા કરવામાં આવી હતી. જેની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદ શહેરા રખિયાલ, બાપુનગર, ચાંદખેડા, રાણીપ, ગોતા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદના એંધાણ:-
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવતીકાલે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજ્યમાં આ મહિને 21, 22 જૂનના રોજ કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે 22થી 24 જૂન વચ્ચે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં પવનની ગતિ પણ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો:-
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાવનગરમાં ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ તૂટી અને ધોવાઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી ગયો છે. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી આપતા સૌરાષ્ટ્રના ખેડૂતોના માથે મુશ્કેલી મંડરાઈ રહી હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું છે. ભાવનગરમાં સતત વરસાદ પડતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ઘટના પણ સામે આવી છે. રાત્રી દરમ્યાન અંધારપટ છવાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ ખેતી લાયક વરસાદ પડતા ધરતીપુત્ર પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યો છે.