સોનગઢ નગરમાં નવરાત્રીના પાવન પર્વે બ્રાહ્મણ ફળિયાના ઐતિહાસિક ગરબા આજે પણ અવિરત ચાલી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ અનોખી પરંપરા એવાં છે કે જે ક્યારેય બંધ થયા નથી. ગામના લોકો માટે આ ગરબા માત્ર ભક્તિનો કાર્યક્રમ નથી, પરંતુ સંસ્કૃતિ, એકતા અને ઓળખનો પ્રતીક છે. આ ઐતિહાસિક ગરબાની પરંપરા વર્ષોથી વનરાજભાઈ વ્યાસના પરિવાર દ્વારા સંભાળી રાખવામાં આવી છે. પેઢી દર પેઢી આ પરંપરા આજે સુધી શ્રદ્ધા અને સમર્પણ સાથે આગળ ધપાવવામાં આવી રહી છે.
વર્ષ 2025ના નોરતા પર્વે આ ગરબાનું આયોજન વિશાલભાઈ દવે, ગોવિંદાભાઈ દવે, સાગરભાઈ વ્યાસ, બાઉલભાઈ વ્યાસ, શ્યામભાઈ દવે, હિમાંશુભાઈ દવે તેમજ મંડળના યુવાનો અને મહિલા મંડળના સહકારથી કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં ભક્તિભાવ, પ્રેમભાવ અને સમાજને જોડવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.વડીલોનું કહેવું છે કે સોનગઢ નગરનો દરેક બાળક બાળપણથી આ ગરબામાં રમતો આવ્યો છે અને આ ગરબાની પરંપરામાં ઉછરીને મોટો થયો છે. એટલે જ આ ગરબા માત્ર ધાર્મિક નહિ, પરંતુ સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક બની ગયા છે.
રાત્રિના સમયે બ્રાહ્મણ ફળિયું માતાજીના જયઘોષ, દેશી ઢોલના તાલ અને ગરબાના મીઠા સ્વરોથી ગુંજી ઉઠ્યું હતું. દરેક ભક્તમાં ભક્તિભાવ સાથે સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ પણ ઝળહળતો જોવા મળ્યો હતો.સોનગઢ નગરના આ ઐતિહાસિક ગરબા પેઢી દર પેઢી જીવંત રહે છે અને સમાજને ભક્તિ, પ્રેમ અને એકતાનો સંદેશ આપતા રહ્યા છે. નવરાત્રીના પાવન પ્રસંગે આ ગરબા નગરજનો માટે શ્રદ્ધા અને આનંદનું અનોખું કેન્દ્ર બની ગયા છે.



