બાઈલાઈન: સંગીતા ચૌધરી
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપડવણ ગામમાં વસવાટ કરતી પવિતાબેન કનુભાઈ ચૌધરી માટે જીવનની સફર સહેલી નહોતી. પોતાના પતિના અવસાન બાદ પરિવારની તમામ જવાબદારીઓ તેમના ખભા પર આવી પડી હતી. રોજિંદા ખર્ચ, બાળકોનું શિક્ષણ અને ભવિષ્યની ચિંતા વચ્ચે ઘણીવાર પરિસ્થિતિ સામે લાચાર થવું પડતું હતું.
પતિના અવસાન બાદ આર્થિક મુશ્કેલીઓના સમયે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પવિતાબેન માટે પ્રથમ ટેકો બની. આ યોજના હેઠળ તેમને માસિક રૂ. 1250 ની સહાય પ્રાપ્ત થવા લાગી..પવિતાબેન માટે આ રાહત મોટી હતી..આ રકમથી તેમને ઘરના નાના-મોટા ખર્ચમાં રાહત મળી અને સંકટના સમયે એક પાયાની આર્થિક સુરક્ષા પ્રાપ્ત થઈ.
બાળકોના ભવિષ્યને ધ્યાને લઈને પવિતાબેને સંઘર્ષ કરતા શીખી લીધું હતું, છતાં તેમના મનમાં એક જ સંકલ્પ હતો કે માત્ર સહાય પર નિર્ભર રહેવાને બદલે સ્વાવલંબન દ્વારા પોતાની નવી ઓળખ ઊભી કરવી. ગંગા સ્વરૂપા યોજનાના ટેકા બાદ, પવિતાબેને પોતાના વ્યવસાય માટે આગળ વધવાનું વિચાર્યું. આ સમયે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી., ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલી ‘મહિલા સ્વાવલંબન યોજના’ તેમના જીવનમાં આશાનું નવું કિરણ બની.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, તાપીના માર્ગદર્શન હેઠળ તેમણે ડેરી આધારિત વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો. તેમણે લોન માટે અરજી કરી, જે બાદ કેનેરા બેંક, વ્યારા દ્વારા રૂ. 1,35,000 ની લોન મંજૂર કરવામાં આવી. ગંગાસ્વરૂપા બહેન તરીકે પવિતાબેનને કુલ લોન રકમના 40 ટકા મુજબ રૂપિયા 54,000 ની સબસીડી પ્રાપ્ત થઈ. આ સહાયથી તેમણે ગાય ખરીદી અને ડેરીના સાધનોની વ્યવસ્થા કરી પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
માધ્યમો સાથેના સંવાદમાં પવિતાબેને જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે ભવિષ્ય અંધારમય લાગતું હતું, પરંતુ ગંગા સ્વરૂપા યોજનાએ મને આર્થિક ટેકો આપ્યો અને ત્યારબાદ મહિલા સ્વાવલંબન યોજનાએ મને પગભર કરી. આજે હું મારા બાળકો માટે ગર્વથી પોતાના પગ પર ઊભી છું.શરૂઆતમાં પશુપાલન અને દૂધ વેચાણના અનેક પડકારો આવ્યા, પરંતુ પવિતાબેને હિંમત હાર્યા વગર મહેનત ચાલુ રાખી. આજે તેઓ રોજિંદું દૂધ વેચાણ કરીને સ્થિર આવક મેળવી રહ્યા છે. આ આવક અને ગંગા સ્વરૂપા યોજનાની સહાયના સમન્વયથી તેઓ આજે ગર્વભેર પરિવારનું ભરણપોષણ અને બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરી રહ્યા છે.





