ઉચ્છલના મીરકોટ ગામ નજીક ખાડીના પાણીમાં પ્રતિબંધિત વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર માછીમારી કરી રહેલા આરોપીઓને તાપી SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે વિસ્ફોટ કરીને માછલીઓ પકડવાના કૃત્યમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ છે. આ ઉપરાંત અન્ય બે શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.
શું હતી ઘટના :-
તાપી જિલ્લા એસઓજીની ટીમ ઉચ્છલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસકર્મી વિપુલ રમણ અને શરદ સુરજીને બાતમી મળી હતી કે મીરકોટ ગામની સીમમાં એક હોટેલ પાસેથી પસાર થતી ખાડીમાં કેટલાક ઈસમો વિસ્ફોટકનો ઉપયોગ કરીને માછીમારી કરી રહ્યા છે. મળતી બાતમીના આધારે સ્થળ પર રેડ કરવામાં આવતાં પાંચ ઈસમો ખાડી કિનારેથી ઝડપાઈ ગયા હતા. જ્યારે એક આરોપી ખાડી પાણીમાં તરીને નાસી ગયો હતા. પકડાયેલા લોકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ ગેરકાયદે રીતે જિલેટીનનો ઉપયોગ કરી પાણીમાંથી માછલાં મારવાનું કામ કરતા હતા.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો:-
પોલીસે સ્થળ પરથી બે જિલેટીન સ્ટીક, કેબલ વાયરો, બ્લાસ્ટિંગ કેપ, ત્રણ બાઈક અને સાત મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 1,91,070ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ ઘટનામાં પાઉલભાઈ ફીલીપભાઈ ગાવીત, જીગ્નેશભાઈ ચંદુભાઈ ગાવીત, ઈલેશભાઈ છગનભાઈ ગાવીત, નિતેશ ભાઈ દિન્યાભાઈ ગાવીત અને શૈલેષ બારકિયા ભાઈ ગામીતની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે ફરાર થયેલા દીપક ગાવીત અને વિસ્ફોટક પૂરા પાડનાર અશ્વિન ગામીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

