વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના તાલુકાઓમાં ઠંડા પીણાનું સેવન ઝડપથી વધી રહ્યું છે, જે આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. ઉનાળામાં ગરમીથી રાહત મેળવવાના નામે લોકો રાસાયણિક ઠંડા પીણાનો આશરો લેતા હોય પરંતુ આ તો બારેમાસ ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે, જ્યાં જોવો ત્યાં ઠંડા પીણા જોવા મળે જે ખાસ કરીને બાળકો અને યુવાનોના દાંત અને પેઢાંના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. છેલ્લા દસ વર્ષમાં, ઠંડા પીણામાં રહેલા ઝેરી તત્વો અને ખાંડનું પ્રમાણ દાંતના નાશનું મુખ્ય કારણ બન્યું છે. નાની ઉંમરના બાળકોમાં આ પીણાની આદત ભવિષ્યમાં દાંતની સડન, પેઢાંની બીમારીઓ અને અન્ય આરોગ્ય સમસ્યાઓનું જોખમ વધારે છે. નિષ્ણાતોના મતે, ઠંડા પીણા માત્ર બાળકો માટે જ નહીં, પરંતુ દરેક વય જૂથના લોકો માટે હાનિકારક છે.
સામાજિક પ્રસંગોમાં ઠંડા પીણાનો વધતો ઉપયોગ
કપરાડા, ધરમપુર સહિતના તાલુકાના ગામડાઓમાં સામાજિક સમારંભો અને મહેમાનોના આગમન વખતે ઠંડા પીણાનું સેવન એક સામાન્ય પ્રથા બની ગઈ છે. પરંપરાગત ચા કે શેરડીના રસના બદલે, હવે ઠંડા પીણાને પીરસવામાં આવે છે, જે ગામડાના લોકોમાં આ પીણાની આદતને વધારે છે. ગરમીથી રાહત મેળવવા માટે રાસાયણિક ઠંડા પીણાને બદલે પરંપરાગત અને પોષક પીણાઓનો ઉપયોગ કરવો જોઈએ. આમાં શામેલ છે. બ્લેક ટી, લીંબુ શરબત, શેરડીનો રસ, નારિયેળ પાણી આ પીણાઓ શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત પોષક તત્વો પૂરા પાડે છે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે.
સમાજમાં જાગૃતિની જરૂર
ઠંડા પીણાની આદતને ઘરથી જ નિયંત્રિત કરવાની જરૂર છે. માતા-પિતાએ બાળકોને નાની ઉંમરથી જ આવા પીણાથી દૂર રાખવા જોઈએ. સામાજિક પ્રસંગોમાં પણ સ્વાસ્થ્યપ્રદ પીણાઓને પ્રોત્સાહન આપવું જોઈએ. સરકાર અને સ્થાનિક સંસ્થાઓએ ગામડાઓમાં જાગૃતિ અભિયાન ચલાવીને લોકોને ઠંડા પીણાના નુકસાન અંગે શિક્ષિત કરવા જોઈએ.