પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે, શનિવારે રાત્રે દાર્જિલિંગમાં સાત ભૂસ્ખલનની ઘટના બની હતી. મિરિક-સુખિયાપોખરી રોડ પરનો ટેકરીનો એક ભાગ તૂટી પડ્યો, જેના કારણે અનેક ઘરો ધરાશાયી થયા હતા. જેના કારણે અત્યાર સુધીમાં તેર લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે રસ્તા પર કાટમાળના કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો છે.
આસપાસના અનેક વિસ્તારોમાં વાહનોની અવરજવર અને સંદેશાવ્યવહાર ખોરવાઈ ગયો છે. મિરિકમાં એક લોખંડનો પુલ પણ તૂટી પડ્યો છે. ભારે વરસાદને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. તિસ્તાબજાર નજીક બાલુખોલામાં પૂરને કારણે સિલિગુડીને સિક્કિમ અને કાલિમપોંગ સાથે જોડતો હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. દાર્જિલિંગ શહેરનો શહેરના ઘણા ભાગો સાથે સંપર્ક પણ તૂટી ગયો છે.
અરબી સમુદ્રમાં ચક્રવાત ગુજરાતમાં ચેતવણી:-
અરબી સમુદ્રમાં સૌપ્રથમ રચાયેલું ચક્રવાત શક્તિ તીવ્ર બનીને એક તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગે શનિવારે અહેવાલ આપ્યો હતો કે આ તોફાન ગુજરાતના દ્વારકાથી 420 કિમી દૂર સમુદ્રમાં સક્રિય છે, જેમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.તે આગામી 24 કલાકમાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે અને ઉત્તર-પશ્ચિમ અને મધ્ય અરબી સમુદ્રમાં પહોંચશે.
સોમવારથી તે નબળું પડીને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની ધારણા છે.
વાવાઝોડાની અસરને કારણે ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં સમુદ્રમાં પાણી વધી ગયા છે. ચક્રવાત શક્તિની અસર મહારાષ્ટ્રમાં પણ અનુભવાઈ રહી છે. મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ચક્રવાતની ચેતવણી જારી કરવામાં આવી છે. 7 ઓક્ટોબર સુધી ઉત્તર કોંકણ કિનારે ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે.



