સોનગઢ તાલુકાના મલંગદેવ ફાંટા પાસેથી રૂપિયા 3 લાખની કિંમતનો વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં આવતી મારુતિ કાર સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એએસઆઈ માર્મિક હરેશને ખાનગી રીતે બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી આવતી એક મારુતિ કારમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ગુજરાતમાં લઈ જવામાં આવી રહ્યો છે. તેવી ચોક્કસ બાતમી મળતા સોનગઢ ફાંટા પાસે વોચ ગોઠવવામાં આવતાં રાત્રે ત્રણ વાગ્યે બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી હતી. બાદમાં કારમાં તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 2,400 બોટલ મળી આવી હતી, જેની અંદાજે કિંમત 3,00,000 થાય છે.
કારમાંથી મળ્યો વિદેશી દારૂ
પોલીસે કાર ચાલક દેવીસિંહ વજેસિંહ રાજપૂત અને ક્લિનર નારાયણ બાલુરામ તૈલીની અટકાયત કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, દારૂ પીપળનેરના રાકેશ ચાંદવાણી અને આર.એસ. ઉર્ફે નિવૃત્તિ સોનવણેએ ભરાવ્યો હતો. તેમણે કાર ચાલકને ગુજરાતમાં પ્રવેશ કર્યા પછી ફોન કરવાનું કહ્યું હતું જેથી દારૂ ક્યાં ઉતારવાનો છે તે જણાવી શકાય જો કે, પકડાયેલો શખ્સ દારૂવાળી જગ્યાએ લઈ જાય તે પહેલાની તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
કાર પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી:-
આ બનાવમાં પોલીસે બાતમીના આધારે કાર નંબર MH-46-AP-2621 ઝડપી લીધી હતી. બાદમાં કારનો ચેસીસ નંબર નાખી ઓનલાઇન ચેક કરતા કારનો નંબર ખોટો હોવાનું બહાર આવ્યું હતું. આ કારનો સાચો નંબર MH-02-DW-4431 હોવાનું બહાર આવ્યું હતું. ગેરકાયદે દારૂ ઘુસડવા માટે બુટલેગર અવનવા કિમીયો અપનાવતા હોય છે. પરંતુ ક્યારેક તેમની આ ચાલ વધારે ચાલતી નથી અને પોલીસના સકંજામાં આવી જતા હોય છે.