ગારખડી સ્થિત પી.એમ. શ્રી એકલવ્ય મોડલ શાળા ખાતે ઔષધીય વનસ્પતિ અને વિજ્ઞાન આધારિત મોડેલોનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને વિજ્ઞાનને રસપ્રદ રીતે સમજવાની તક મળે તે હેતુથી આયોજિત આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
મુખ્ય મહેમાનોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે ઈતારામભાઈ બહિરમ, તાલુકા પ્રમુખ તેમજ મનોજભાઈ કે. પટેલ, એરિયા મેનેજર, અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનઓએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વિજ્ઞાન મોડેલો અને પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમના પ્રયત્નો અને સર્જનાત્મકતાને બિરદાવી હતી તેમજ વધુ પ્રોત્સાહન આપ્યું હતું.
60 બાળવૈજ્ઞાનિકોએ રજૂ કર્યા 30 મોડલ
વિજ્ઞાન મેળામાં આશરે 60 બાળવૈજ્ઞાનિકોએ 30 જેટલા વિવિધ મોડેલો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓનું સુંદર નિદર્શન કરી મોડલની કાર્યપદ્ધતિ અને તેની ઉપયોગિતા અંગે મુલાકાતીઓને સમજણ આપી હતી.વિજ્ઞાન મેળાને વધુ રસપ્રદ, જ્ઞાનસભર અને આનંદદાયક બનાવવા માટે વિવિધ વિશેષ પ્રવૃત્તિ કોર્નર પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
ચિંતનભાઈ પટેલે પણ કરી મુલાકાત
ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચિંતનભાઈ પટેલે પણ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ વિજ્ઞાન મોડેલો નિહાળ્યા તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
469 વિદ્યાર્થીઓએ લીધો વિજ્ઞાન મેળાનો લાભ
આ વિજ્ઞાન મેળાની મુલાકાત આશરે 469 વિદ્યાર્થીઓએ લીધી હતી. વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન મોડેલો સાથે ઔષધીય વનસ્પતિ અંગે પણ માહિતી મેળવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને પ્રકૃતિ સાથે જોડાયેલી નવીન જાણકારી મેળવવાની તક મળી હતી.
આયોજન બદલ સંસ્થાઓનો આભાર
વિજ્ઞાન મેળાને સફળ બનાવવા બદલ શાળા પરિવારે LTPCT અને અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન મળ્યું હતું.






