સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ભુકંપના કારણે વીજ પ્લાન્ટમાંથી રેડિયેશન લિકેજ થતા કટોકટીની સ્થિતિને પહોંચી વળવા પૂર્વ તૈયારીના ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાની ‘મોકડ્રીલ’ યોજાઈ હતી. સવારે ૭:૦૦ કલાકે કાકરાપાર અણુમથક માંથી રેડિયેશન (ઝેરી ગેસ) લિક થતાં પાવર પ્લાન્ટના સાઈટ ડાયરેક્ટરની ભલામણથી સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી દ્વારા ઓફસાઈટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
સુરત-તાપી જિલ્લા ડિઝાસ્ટર તંત્ર દ્વારા તત્કાલ તમામ અધિકારીઓને એલર્ટ કરી તકેદારીના પગલા લેવા જણાવ્યું હતું. ત્યારબાદ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગરને મદદ માટે જાણ કરવામાં આવી હતી. તમામ વિભાગોના સંયુક્ત ઓપરેશન થકી પ્લાન્ટની આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ઘટનાની ગંભીરતાને કેન્દ્રમાં રાખીને બચાવ અને રાહતની ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અસરગ્રસ્ત ગામોમાં રેડિયો એક્ટિવની ચકાસણી બાદ સામાન્ય કરતાં થોડા વધુ પ્રમાણમાં રેડિયો એક્ટિવ પદાર્થોને ધ્યાને લઈ તંત્ર દ્વારા ત્વરિત ઘરોમાંથી બહાર ન નીકળવા, ખુલ્લી હવામાં રાખેલુ ભોજન ન લેવા તેમજ પશુઓને છાયાવાળા ઢોરવાડામાં રાખવા તથા લેવાની થતી કાળજી અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા, હરિપુરા, કાનાઘાટ અને પીપલવાડા તથા તાપી જિલ્લાના બેડકુવાદુર, કાલાવ્યારા અને ઓટા ટોકરવાના ગામોના લોકોને આરોગ્ય તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને આયોડિનયુક્ત ટેબલેટનું વિતરણ કરાયું હતું. વધુ અસરગ્રસ્ત વાંકલા અને બેડકુવાદુર ગામોમાંથી ગ્રામજનોને સોનગઢ કોલેજ કેમ્પસ નજીક રાહત કેમ્પ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બપોરે ૧૨:૦૦ વાગ્યે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા કાકરાપાર પ્લાન્ટ દ્વારા કટોકટી સમાપ્તિની જાહેર કરાઈ હતી.
આ મોકડ્રીલમાં સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, એન.ડી.એમ.એ.ના મેજર જનરલ એ.કે.વર્મા તથા સભ્ય ડો.દિનેશકુમાર અસવાલ, કાકરાપાર સાઈટના ડાયરેકટરશ્રી તથા વ્યારા અને તાપી પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, પોલીસ, આરોગ્ય, ફાયર, સિવિલ ડિફેન્સ, આપદા મિત્રો, પશુપાલન વિભાગ, આર.ટી.ઓ. સહિત ગ્રામજનોએ પણ ત્વરિત રિસ્પોન્સ આપીને સાબિત કર્યુ છે કે, ભવિષ્યમાં કોઈ પણ આપત્તિ સર્જાય ત્યારે પ્રજા-તંત્ર ઘટનાને પહોંચી વળવા સજ્જ છે.રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), નવી દિલ્હી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, દ્વારા સંયુક્ત પ્રયાસ હેઠળ કરવામાં આવેલી આ કવાયતનો આશય સંભવિત પરમાણુ ઘટના માટે કટોકટી પ્રતિભાવ ક્ષમતાઓનું મૂલ્યાંકન અને સુધારો કરવાનો હતો.




