ચિરાગ ગુપ્તા છોટાઉદેપુર
નસવાડી તાલુકા માટે ગૌરવની બાબત છે કે તાલુકાની એકમાત્ર મદની સ્કુલને સરકાર દ્વારા વ્યવસાયલક્ષી (વોકેશનલ) શિક્ષણ શરૂ કરવાની મંજુરી પ્રાપ્ત થઈ છે. આ મંજૂરી મળતા હવે વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણની સાથે રોજગારલક્ષી અને કૌશલ્ય આધારિત શિક્ષણ મેળવવાની નવી તક ઉપલબ્ધ થશે.
મદની સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક યુગની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ આપવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વ્યવસાયલક્ષી શિક્ષણની મંજૂરી મળતા વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં પ્રાયોગિક જ્ઞાન, ટેકનિકલ કુશળતા અને સ્વરોજગાર માટે જરૂરી તાલીમ મેળવી શકશે. જેના કારણે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તથા રોજગારીની તકોમાં વધારો થશે.
સ્કુલના સંચાલક મંડળ, આચાર્ય તથા શિક્ષકગણે આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મંજૂરી નસવાડી તાલુકાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે. સાથે જ તેમણે શિક્ષણ વિભાગ તથા સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક આગેવાનો, વાલીઓ અને શિક્ષણપ્રેમીઓએ પણ મદની સ્કુલને મળેલી આ મંજુરીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારમાં જ ગુણવત્તાસભર અને રોજગારલક્ષી શિક્ષણ મેળવવાની સુવિધા ઉપલબ્ધ બનશે.

