નર્મદાના સાગબારામાં 28.56 કરોડના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં વિવાદ સર્જાયો હતો. આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર નર્મદા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, 2013થી કાર્યરત એકલવ્ય મોડલ સ્કૂલ માટે 240 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે, જે બદલ તેમણે ગુજરાત સરકારને બિરદાવી હતી.
તમારા મનમાં ધૂમાડો હોય તો કાંઢી નાખજો ભાઈ:ચૈતર વસાવા

આ બધાં વચ્ચે ચૈતર વસાવાને કાર્યક્રમમાં આમંત્રણ ન આપતા ચૈતર વસાવા અચાનક સ્થળ પર પહોંચી ગયા હતા અને આ સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન આપવા અંગે મંત્રી નરેશ પટેલની સામે પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો હતો. તેમણે પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટરને મંચ પરથી કહ્યું હતું કે મારા જ વિસ્તારમાં મને કેમ આમંત્રણ નથી આપવામાં આવ્યું, મારાથી શું તકલીફ છે. કલેક્ટરને અમારાથી શું તકલીફ છે? શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી? આ વિસ્તારનો ધારાસભ્ય હોવા છતાં તંત્ર દ્વારા અવગણના કરાતા ધારાસભ્ય અકળાયા કહ્યું આમંત્રણ પત્રિકામાં નામ પણ લખાયું નથી કે નથી પત્રિકા આપવામાં આવી કે મને કોઈએ ફોન કરીને જાણ પણ નથી કરી. સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ ન આપ્યું, એ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે. તેવું ચૈતર વસાવાએ કહેતા કાર્યક્રમમાં હાજર લોકોએ બૂમો પાડી ચૈતર વસાવાને સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત ચૈતર વસાવાએ કાર્યક્રમમાં હાજર જિલ્લાના કલેક્ટરથી લઈ ઉચ્ચ અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા.

