તાપી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂના વેચાણ પછી હવે ઓનલાઈન જુગારનો ધંધો મોટા પાયે ચાલી રહ્યો હોવાનો આરોપ સામાન્ય નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વ્યારા શહેરના કાકરાપાર રોડ પર આવેલા દાદાજી ચોક પાસે ખુલ્લેઆમ ઓનલાઈન જુગારનો અડ્ડા ધમધમી રહ્યો છે. થોડા સમય પહેલા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જે કાર્યવાહીમાં નાની-માછલીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે મોટી માછલીઓ ફરાર થઈ જતા બચી ગઈ હતી. આ બધાં વચ્ચે ફરીથી ઓનલાઈન જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે.
કેટલાક શખ્સો રૂપિયા 100ના દાવ સામે 5 મિનિટમાં રૂ.900ની લાલચ આપી લોકોને છેતરી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બધી સ્કિમમાં રૂપિયા રોકી છેતરાય રહ્યા છે.સરકારે ગેરકાયદેસર ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજી સામે મોટી કાર્યવાહી કરતા 300 વેબસાઇટ્સ-એપ્સને બ્લોક કરી છે. સરકારી સૂત્રો મુજબ, અત્યાર સુધીમાં કુલ 8400 આવા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી લગભગ 4900 વેબસાઇટ્સ ઓનલાઈન ગેમિંગ એક્ટ લાગુ થયા પછી બ્લોક કરવામાં આવી છે.
સરકારી સૂત્રો મુજબ, જે પ્લેટફોર્મ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે, તે મુખ્યત્વે ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર સાથે સંકળાયેલા હતા. તેમાં ઓનલાઈન સ્પોર્ટ્સ બેટિંગ પ્લેટફોર્મ, ઓનલાઈન કસિનો (સ્લોટ્સ, રૂલેટ અને લાઈવ ડીલર ગેમ્સ), પી-ટુ-પી બેટિંગ એક્સચેન્જ, સટ્ટા/મટકા નેટવર્ક અને રિયલ મની કાર્ડ એપ્સનો સમાવેશ થાય છે.સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ્સ દ્વારા મોટા પાયે ગેરકાયદેસર લેણદેણ અને જુગારને પ્રોત્સાહન મળી રહ્યું હતું. તેને રોકવા માટે આઈટી એક્ટ અને અન્ય સંબંધિત કાયદાઓ હેઠળ સતત દેખરેખ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઓનલાઈન ગેમિંગ એક્ટ લાગુ થયા પછી આવા પ્લેટફોર્મ્સ પર કાર્યવાહીમાં તેજી આવી છે. સરકારનો દાવો છે કે આ પગલું ડિજિટલ સ્પેસને સુરક્ષિત બનાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે.

