વલસાડ જિલ્લાના ધરમપુરથી વાપી જતા હાઈવે નંબર ૫૬ની હાલત ચોમાસાની શરૂઆતથી જ દયનીય બની ગઈ છે. ધરમપુર-મોટા પોંઢા-વાપી રોડ પર ૧૫થી ૨૦ ઇંચથી વધુ ઊંડા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે, લોકોને એવું લાગે છે કે તેઓ ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા છે.
રસ્તાની દુર્દશા ગંભીર લોકો હેરાન:-
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ રસ્તાની દુર્દશા એટલી ગંભીર છે કે, ધરમપુરથી પાર નદી અને નાના પોંઢા સુધીના માર્ગ પરથી ઇમરજન્સી દર્દીને લઈ જવું જીવલેણ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ રાજ્ય સરકારના “ગુજરાત મોડલ”ના દાવાઓ પર સવાલો ઉભા કરે છે, જેમાં રસ્તાઓની ગુણવત્તા અને વિકાસની વાતો કરવામાં આવે છે.
જનપ્રતિનિધિઓ રિલ્સ..પ્રતિનિધિઓ બન્યા:-
સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જનપ્રતિનિધિઓ હવે માત્ર “રીલ્સ પ્રતિનિધિઓ” બની ગયા છે, જેઓ રસ્તાઓની સમસ્યાઓ હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવામાં વધુ રસ લેતા હોય તેમ લાગી રહ્યું છે. લોકોનું કહેવું છે કે, “જનપ્રતિનિધિઓએ ચંદ્ર પર નહીં લઈ જઈ શકે, પરંતુ વલસાડના રસ્તાઓ પર ચંદ્રની ધરતીનો અનુભવ જરૂર કરાવી દીધો છે.” આ રોડની સમસ્યા હલ કરવા માટે સ્થાનિકો અને વાહનચાલકો જિલ્લા વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ પાસે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી રહ્યા છે, જેથી આ માર્ગ પર મુસાફરી સુરક્ષિત અને સરળ બની શકે.