મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે રવિવારથી ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રવિવારે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.
તદુપરાંત, કૃષિ મંત્રીએ વેચાણ કરવા આવેલા વિવિધ ખેડૂતો સાથે સહજ ભાવે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતા પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સર્વ વિદિત છે કે, મગફળીના આશરે રૂ. ૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પોતાની જણસીના બજાર ભાવ કરતા આશરે રૂ. ૨,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસા.લી.ના ચેરમેન ચૌહાણ ધનવંતસિંહ, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવે સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

