રાજ્યમાં વરસાદની રમઝટ યથાવત રહેવા પામી છે. રાજ્યમાં 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં મેઘમહેર થઈ હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાપીના વ્યારામાં 5.55, ડોલવણમાં 5.31 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે. સુરત શહેરની વાત કરીએ તો, સુરતના પલસાણામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે.વલસાડના કપરાડામાં 4.84 ઈંચ, તાપીના સોનગઢમાં 4.65 ઈંચ વરસાદ ખાબક્યો હોવાની માહિતી મળી રહી છે.
સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ:-
સુરત શહેરના વિવિધ વિસ્તારમાં પડેલા વરસાદની વાત કરીએ તો, સુરત શહેરમાં 4.57 ઈંચ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. વલસાડના ધરમપુરમાં 4.49 ઈંચ વરસાદ જ્યારે દેવભૂમિદ્વારકા સહિતના અન્ય 12 તાલુકાઓમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.રાજ્યના 24 તાલુકાઓમાં 3 ઈંચથી વધારે જ્યારે 42 તાલુકાઓમાં 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.રાજ્યના 89 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હોવાની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ ધોધમાર વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી:-
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રના પણ વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણમાં ભારે વરસાદના કારણે લોકોને સાવચેતી રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.