ઉકાઈના અને હાલના સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ બ્યુરો વડોદરા ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર મુકેશ નેગીના સુપુત્ર રજત નેગીનું ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પમાં એન.સી.સી. કેડેટસ તરીકે ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે. રજત નેગી હાલ વડોદરા શહેર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. રજત નેગીનું એન.સી.સી. કેડેટ્સ તરીકે ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પમાં પસંદગી થતાં તા. ૧૬/૦૯/૨૫ થી તા. ૩૧/૦૯/૨૫ દરમિયાન બેંગ્લોર ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પમાં ગુજરાતની ટીમમાં કાર્યરત રહી વધુ તાલીમ મેળવી રહ્યો છે.
આ ઓલ ઇન્ડિયા વાયુ સેના કેમ્પ માટે એક વર્ષ પહેલાંથી એન.સી.સી. કેડેટ્સ ખૂબ મહેનત કરી વિવિધ શારીરિક અને માનસિક માપદંડોમાં ખરા ઉતરી વિવિધ એન.સી.સી કેમ્પો માં ભાગ લઈ ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પ માટે પસંદગી પામતા હોય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સંચાલિત ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યુરિટી સ્ટડી કોષૅ માંથી એકમાત્ર રજત નેગીની પસંદગી થયેલ છે. તેમજ ગુજરાતમાંથી કુલ ૩૮ વિદ્યાર્થીઓની ગુજરાતની ટીમમાં પસંદગી થયેલ છે.
નર્મદા જિલ્લા રાજપીપળા ખાતે રજત નેગી દ્વારા પ્રાથમિક અભ્યાસ પુર્ણ કરેલ હતું જેથી સ્કુલના શિક્ષકો તેમજ કુટુંબીજનો દ્વારા રજત નેગીને અભિનંદન પાઠવી ભવિષ્યમાં ભારતીય વાયુ સેનામાં જોડાઈ પાયલોટ બની દેશની સેવા કરે તેવી શુભેચ્છા પાઠવી તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેઓના અભ્યાસકાળ દરમિયાન એન.સી.સી. માં જોડાય તેવી અપીલ કરેલ છે.