માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળાએ પોતાના આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ, આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અંગ દઝાડતી ગરમી અને હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની પ્રબળ શક્યતા છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આકરી ગરમી પડશે.રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કર્યું છે. અમદાવાદના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જોકે આજે પવનોની દિશાને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈને પારો 35°C ની આસપાસ રહેવાની શક્યતા છે. પરંતુ, આ રાહત લાંબો સમય ટકશે નહીં, કારણ કે 24 કલાક બાદ ફરીથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. બીજી તરફ, ભાવનગરમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં મહત્તમ તાપમાન 38°C ને આંબી ગયું છે અને આગામી 2 દિવસ માટે અહીં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 7 માર્ચથી 10 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે, જેના પગલે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર, વેરાવળ અને ભાવનગરમાં તીવ્ર હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણમાં પણ ગરમીનું મોજું પ્રવર્તશે તેવી સંભાવના છે. માત્ર દરિયાકાંઠાના જ નહીં, પરંતુ ગાંધીનગર સહિતના આંતરિક વિસ્તારોમાં પણ સૂર્યનો પ્રકોપ જોવા મળશે, જ્યાં મહત્તમ તાપમાન 38°C થી 39°C સુધી પહોંચી જવાથી નાગરિકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી શકે છે.

