વ્યારાના જિલ્લા સેવા સદનમાં આવેલા ઓડિટોરિયમમાં આદિમજૂથની મહિલાઓ માટે સિકલસેલ રોગને નાથવા માટે એક જાગૃતિ અભિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જનજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાન, ગાંધીનગર અને એક્શનએડ કર્ણાટકા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમથી આયોજિત જનજાતીય ગૌરવ વર્ષ-ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત આદિમજૂથની મહિલાઓનું “સિકલસેલ જાગૃતિ–માર્ગદર્શન અને તપાસ, કુદરતી ખેતી અને POSH કાયદા અંગે જાગૃતિ” માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાપી જિલ્લાના સોનગઢ, ડોલવણ, અને વ્યારા તાલુકાની ૬૦૦થી વધું આદિમજૂથની બહેનો, યુવતીઓ અને ડૉક્ટરની ટીમ તેમજ તજજ્ઞો હાજર રહ્યા હતા.
ગુજરાત જનજાતિ સંશોધન અને તાલીમ સંસ્થાનના ડૉ. પ્રવીણ પટેલ, શિશુદીપ હોસ્પિટલ બારડોલીના ડો. જ્યોતિષ પટેલ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી સુલોચના પટેલ તેમજ અન્ય વિષય નિષ્ણાંતોએ પોતાના વિષયમાં માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિષયો જેવા કે સિકલસેલના રોગ અંગે માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતી તેમજ posh કાયદા અંગે તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન આપવામા આવ્યું હતું. સિકલ સેલ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી એપેડેમિક ડોક્ટર સ્નેહલભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ તેમજ ડો જ્યોતિષભાઈ પટેલ દ્વારા સિકલસેલ રોગ અને દાંપત્યજીવન અંગે સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી અંગે ડોક્ટર તેજલબેન અધ્વર્યુ અમૃત જલ અમૃત ચક્ર કિચન ગાર્ડન વગેરે અંગે બહેનોને જાણકારી આપી હતી.
આ ઉપરાંત ડોક્ટર સુશીલાબેન પ્રજાપતિએ કાર્યસ્થળ પર જાતીય સતામણી વિરુદ્ધ કાયદાની જોગવાઈ અને સ્થાનિક સમિતિ અને તેની જવાબદારી અંગે સમજૂતી આપી હતી. આ ઉપરાંત ડો પ્રવીણભાઈ પટેલે સરકારી યોજનાઓ અંગે સહભાગી દ્વારા પુછાયેલા પ્રશ્નોને આવરી લઈને વ્યાખ્યાન આપ્યું હતુ. સિકલ સેલ નિદાન તપાસમાં કુલ ૬૯ સહભાગીઓની સ્થળ પર તપાસ કરવામાં આવી જેમાંથી ૧૧ સહભાગી સિકલ સેલ પોઝિટિવ આવ્યા હતા.