તાપી ઉચ્છલના છાપટી ગામેથી એસઓજીએ બોગસ ડૉક્ટરને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. એસ.ઓ.જી શાખાનો સ્ટાફ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતો. ત્યારે હેડ કોન્સ્ટેબલ દાઉદ ઠાકોરને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉચ્છલના છાપટી ગામની દૂધડેરીની ઉપર રૂમ રાખી એક બોગસ ડૉક્ટર એટલે કે, સુનીલ દાજભાઈ ઠાકરે ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલની પ્રેક્ટિસ કરતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
જેથી એસ.ઓ.જીએ બાતમી વાળી જગ્યાએ પહોંચી રેડ પાડતા નકલી ડૉક્ટર સુનીલ દાજભાઈ ઠાકરે ઝડપાઈ ગયો હતો. આરોપી મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાનો રહેવાસી છે. પરંતુ હાલમાં ઉચ્છલ તાલુકાના આમોદે ગામે રહેતો હતો. પોલીસ પકડમાં આવેલા શખ્સ પાસેથી એલોપેથિક દવાઓ તથાં મેડીકલને લાગતો તમામ સામાન કબ્જે કરવામાં આવ્યો હતો. જેની અંદાજે કુલ કિંમત એક લાખથી વધારે થાય છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:-
પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી.લીંબાચીયા
એ.એસ.આઈ રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે
હેડ કોન્સ્ટેબલ શરદ સુરજી વળવી
હેડ કોન્સ્ટેબલ કમલેશ કૃષ્ણા વળવી
હેડ કોન્સ્ટેબલ દાઉદ ઠાકોર ગામીત
પોલીસ કોન્સ્ટેબલ વિપુલ રમણભાઈ
પકડાયેલા શખ્સ સામે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડીકલ પ્રક્ટીશનર એક્ટની કલમ 30 મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, SOG શાખાના માણસોએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડૉક્ટરને ઝડપી પાડી વધુ એક નકલી ડૉક્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છેલ્લાં કેટલા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતો. તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અન્ય પણ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે.


