સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં બરાબરનો જામ્યો છે. દરેક પક્ષો પોતાની તાકાત બતાવી રહ્યા છે. પ્રચાર પ્રસાર પણ મોટા પાયે કરી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લામાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવી જિલ્લા પંચાયતની બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક રાણીઆંબા બેઠક છે. કારણ કે આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે તેવું સાફ-સાફ દેખાઈ રહ્યું છે. રાણીઆંબા બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાંથી યુસુફ ગામીતને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે. યુસુફ ગામીત સોનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. સાથે જ તેઓ યુવાઓમાં પણ ખૂબજ લોકપ્રિય માનવામાં આવે છે.યુસુફ ગામીત ગાયસાવર અને ટોકરવા પટ્ટામાં બહોળો જનસંપર્ક ધરાવે છે. એટલે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે તેમણે જિલ્લા પંચાયતની બેઠક પર ટિકિટ આપી છે.
આ ઉપરાંત યુસુફ ગામીત વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ના મુદ્દે પણ વર્તમાન સરકાર સામે અવાજ ઉઠાવતા હોય છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ભાજપમાંથી જયરામભાઈ પાંચિયાભાઈ ગામીતને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે. જયરામભાઈ ગામીત સામાજિક કાર્યકર્તા તરીકે છેલ્લાં ઘણાં સમયથી આ વિસ્તારમાં કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાત તેઓ જંગલ જમીનના આંદોલન સાથે પણ પાયાથી જોડાયેલા છે. જયરામભાઈ ગામીતનું ચિમેર-મલંગદેવ-ઓટા વિસ્તારમાં મજબૂત વર્ચસ્વ જોવા મળે છે. કારણ કે તેઓ જંગલ જમીન સાથે જોડાયેલા લોકો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તરફથી જીગ્નેશ દિલીપભાઈ ગામીતને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. એટલે આ બેઠક પર આ વખતે ભારે રસાકસીની ટક્કર જોવા મળશે.

