ATM સેન્ટરમાં લોકોની નજર ચૂકવી ATM કાર્ડ મેળવી છેતરપિંડી કરતી ગેંગનો તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફલો સ્કોર્ડે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સમગ્ર મામલો 7 ઓગસ્ટનો છે. સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલી SBI બેન્કના ATMમાં એક ફરિયાદી રૂપિયા ઉપાડવા ગયો હતો. આ દરમિયાન ATM સેન્ટરમાં હાજર બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીની નજર ચૂકવી તેનું ATM કાર્ડ અને PIN નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી બીજા ATM સેન્ટર પરથી ફરિયાદીના કાર્ડ અને PINનો ઉપયોગ કરીને તેના ખાતામાંથી રૂ.20 હજાર ઉપાડી લીધા હતા.આ મામલે 12 ઓગસ્ટે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનો ઉકેલવા LCB અને પેરોલ ફલો સ્કોર્ડની ટીમે બાતમીદારોને સક્રિય કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વ્યારા તળાવ રોડ પરથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બીપીન શેષમન મિશ્રા, લવકુશ હરીશચંદ્ર પાંડે, અશ્વિની અશોક તિવારી અને મોહમદ આલમ અઝીઝ જુલ્લા રાઇનનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ, એક ઓટોરિક્ષા અને રૂ.20 હજાર રોકડા મળી કુલ રૂ.51 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે અલગ અલગ બેંકોના કુલ 137 ATM અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અલગ અલગ શહેરોના ATM સેન્ટરોમાં જઈ લોકોની નજર ચૂકવી ATM કાર્ડ બદલી નાખતા હતા. ત્યારબાદ કાર્ડ અને PIN નંબર મેળવી અન્ય સ્થળે જઈ ખાતામાંથી રૂપિયા ઉપાડી છેતરપિંડી કરતા હતા. ચારેય આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહી LCB તાપી અને પેરોલ ફલો સ્કોર્ડની ટીમે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરી હતી.

