9મી ઓગસ્ટના રોજ લીંબી ગામના સીમ વિસ્તારમાં બે બાઈક સામ સામે અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયાં હતા. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે ત્રણ યુવકો સોનગઢ જઈ રહ્યા હતા ત્યારે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા હતા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર આનંદકુમાર પ્રભુભાઈ વસાવા, વિનેશભાઈ કમાનજી વસાવા અને સુરેશભાઈ વિક્રમભાઈ વસાવાનું મોત થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. તો આ ઘટનાની જાણ ઉકાઈ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉજાગ્રસ્તને સારવાર માટે સોનગઢ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર અને બાઈક ચાલક આનંદકુમાર સાતકાશીના રહેવાસી છે. આનંદ વસાવાની બે બહેનો છે. બહેન રાખડી બાંધવા માટે રાહ જોતી રહી અને આનંદકુમારનું અકસ્માત થતાં બહેનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. સાથે આનંદકુમારના મોતથી પરિવાર તેમજ સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.