સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં સોમવારે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. અંહી માત્ર 12 વર્ષના એક વિદ્યાર્થીએ નવમા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મૃતક વિદ્યાર્થીનું નામ અવનીશ સુશીલભાઈ તિવારી છે. જે વિદ્યાર્થી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. અવનીશના માતા-પિતાએ પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થીને વાંચવા-ભણવા બાબતે ઠપકો આપ્યો હતો. જે વાતનું વિદ્યાર્થીને માઠું લાગી જતાં તેણે આપઘાત કરી લીધો હતો.
ઉધના વિસ્તારના શુભમ રેસીડેન્સીમાં બન્યો બનાવ
વિદ્યાર્થી અવનીશે શુભમ રેસિડેન્સીના નવમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આપઘાતની આ ઘટના પહેલાંના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અવનીશ રેસિડેન્સીના નવમા માળે લિફ્ટમાં જતો જોવા મળે છે.
વાલીએ ભણવા બાબતે ઠપકો આપ્યો હતો
પરિવારે એકનો એક દીકરો ગુમાવતાં તિવારી પરિવારમાં શોક અને આઘાત છે. આ બનાવની જાણ થતાં ઉધના પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે. ભણતરના દબાણ અને માતા-પિતાના ઠપકાના કારણે એક નાની ઉંમરના બાળકે પોતાનું જીવન ટૂંકાવી દીધું હોવાની આ ઘટનાએ સૌને હચમચાવી મૂક્યા છે.

