ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર શિક્ષણના વિકાસ માટે સૌથી વધારે બજેટ ફાળવ્યું હોવાની વાતો બજેટ સત્ર દરમ્યાન કરતી હોય છે. પણ આઝાદીના આટલા વર્ષો વિતવા છતાં આજે પણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની પરિસ્થિતિ કંઈ જુદા જ પ્રકારની જોવા મળે છે. આ બધાં વચ્ચે વલસાડના કપરાડાથી એક ઘટના સામે આવી છે જેણે ગુજરાત વિકાસની અને ગુજરાત મોડેલની વાતનોને શરમમાં મૂકી દીધી છે.

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માલુગી ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે કે નજીકના ગામમાં આવા-જવા માટે આજે પણ હોડીનો સહારો લેવો પડે છે. અંહી નદી પર પુલ અને રસ્તાનો અભાવ હોવાથી નદી પાર કરવી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી છેલ્લાં કેટલાક સમયથી પડી રહી છે. ખાસ કરીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને સ્કૂલ-કોલેજમાં જોવા માટે દરરોજ જીવના જોખમે સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્રને વારંવાર રજૂતઆ કરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવી નથી રહ્યો.

