તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છીંડીયા ગામના વતની સુંદરભાઈ છોટુભાઈ ગામીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરાના ફેકલ્ટી ઑફ આર્ટ્સના ગુજરાતી વિભાગના પ્રૉ. પુંડલિક પવારના માર્ગદર્શન હેઠળ “ગામીત જાતિનાં આદિવાસી લોકગીતો: એક વિવેચનાત્મક અભ્યાસ” વિશે મહા શોધનિબંધ રજૂ કર્યો, તેને માન્ય રાખી પીએચ.ડી.ની ઉપાધિ આપવામાં આવી હતી. સુંદરભાઈએ અગાઉ પ્રા.શા. છીંડીયા, માધ્યમિક શિક્ષણ બ્રધરન હાઈસ્કૂલ ડોલારા, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા, સ્નાતક વ્યારા કૉલેજ અને એમ. એ., બી. એડ્. એમ. ફિલ. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો.
“ગામીત જાતિની સંસ્કૃતિ સંદર્ભે પ્રકાશિત સાહિત્ય:એક અભ્યાસ” વિષય સાથે ડૉ. ધ્વનિલ પારેખના માર્ગદર્શન હેઠળ એમ. ફિલ. ની પદવી મેળવી. ગામમાં પ્રથમ એમ. ફિલ. અને પીએચ.ડી. થતા છીંડીયા ગામ અને ગામીત સમાજ તેમજ તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ હાલમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની મહારાજશ્રી વિશ્વનાથ અને નવદુર્ગા હાઈસ્કૂલ,ખડગદામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને આ સિદ્ધિ બદલ પરિવાર, મિત્રમંડળ, ગામ, સમાજ અને શાળા,શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.