તાપી જિલ્લાના જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ શુક્રવારના રોજ વાલોડ ઘટકના ટોકરવા તથા દેલવાડા-૨ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ વિવિધ સેવાઓ અને યોજનાઓની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ દૂધ સંજીવની યોજના તથા પોષણ સુધા યોજના હેઠળ લાભાર્થીઓને નિયમિતપણે આપવામાં આવતા લાભોની ચકાસણી કરી હતી. યોજનાના લાભાર્થીઓના રેકોર્ડ અને ફોટોગ્રાફનું વેરિફિકેશન કરી નોંધોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં મેનુ મુજબ બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. કેન્દ્રમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું પણ નિરીક્ષણ કરી જરૂરી સુધારા માટે સંબંધિતોને સૂચનો આપવામાં આવ્યા હતા.
કલેક્ટરએ વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો (સ્પેશિયલ ચાઈલ્ડ કેર)ની યોગ્ય સંભાળ, પોષણ અને સર્વાંગી વિકાસ અંગે આંગણવાડી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ લાભાર્થીઓને ગુણવત્તાસભર સેવાઓ સમયસર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.



