બુધવારે તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ સરકારી તંત્ર અને નેતાઓ તેમજ સત્તાધીશો સરકારી કાર્યક્રમની ઉજવણીમાં વ્યસ્ત હતા. તો બીજી તરફ વ્યારા સુગરનાં બાકી નાણાં મુદ્દે ખેડૂતોએ જિલ્લા સેવા સદન ખાતે પૂતળા દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.
પ્રથમ ઘટના-1
પીએમ મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થતાં તાપી જિલ્લામાં પણ જન સેવા સુશાસન અને સમર્પણના 25 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વ્યારા ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સભા તથા ‘સેવા જ્યોતિ મશાલ યાત્રા-૨૦૨૬’ કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક વિજય પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન હેઠળ જનસેવાના કાર્યો થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘વી વિલ ડૂ ઈટ’ ના મંત્રને આત્મસાત કરીને દેશનો પ્રત્યેક નાગરિક સાથે મળીને આગળ વધી રહ્યો છે ત્યારે આ વિકાસયાત્રાને વધુ મજબૂત બનાવવા સરકારની સાથે સમાજના દરેક વર્ગની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે.
બીજી ઘટના-2
વ્યારા સુગર દ્વારા ખેડૂતોને 2025-26ના બાકી નાણાં ચૂકવવામાં ન આવતા ખેડૂતો દ્વારા જિલ્લા સેવા સદન ખાતે પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સહકારી અગ્રણી માનસિંહ પટેલના પૂતળાનું દહન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. પૂતળા દહન કાર્યક્રમમાં ભાજપના ST મોરચાના ઉપાધ્યક્ષ સહિત આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વ્યારા સુગર દ્વારા ખેડૂતોના બાકી નાણાં ચૂકવવામાં ન આવતા સ્થાનિક ખેડૂતો ગાંધી જયંતીના દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર બેઠા છે. થોડા દિવસ પહેલા યોજાયેલી બેઠકમાં વાતચિત કરવામાં આવી હતી કે, 6 તારીખે સુગરના MD સાથે અને કલેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગ યોજી ખેડૂતોના બાકી નાણાં મુદ્દે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેવું ખેડૂતોને જિલ્લા તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ છ તારીખે પણ મળનારી મિટિંગ ટલ્લે ચઢતા ખેડૂતોનો પારો છટક્યો છે.અને હવે ખેડૂતોએ લડી લેવાનો મૂડ બનાવી પૂતળા દહન કરવાનું કામ શરૂ કર્યું છે.
સ્થાનિક નેતાઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠ્યા..?
વ્યારા સુગરના ખેડૂતોના બાકી નાણાં માટે ખેડૂતો ધરણા પર બેઠા છે, ત્યારે સ્થાનિક નેતાઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર ખેડૂતોની રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ખેડૂતોને જિલ્લા સેવાસદન સુધી ધક્કા ખાવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોના હકના નાણાંનો પ્રશ્ન હોય ત્યારે સ્થાનિક નેતાઓની જવાબદારી શું માત્ર રજૂઆત સુધી જ સીમિત છે? ખેડૂતો રસ્તા પર બેઠા છે ત્યારે તેમના પ્રશ્ને મજબૂત અવાજ ઉઠાવવાની જવાબદારી કોની? સ્થાનિક નેતાઓને ખાલી લોકોના વોટની પડી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ ફૂફાડા મારી વોટ માટે રાત દિવસ દોડાદોડી કરતા હોય છે. પરંતુ જ્યારે ખેડૂતોનો કોઈ પ્રશ્નો હોય ત્યારે નેતાઓ દેખાતા નથી. ખરેખર આવા નેતાઓને ખેડૂતોએ અને પ્રજાએ ઓળખી લેવા જોઈએ અને ઈલેક્શન વખતે તેમનો હિસાબ ચૂકતો કરવો જોઈએ.

