વ્યારા સુગરના ખેડૂતોના બાકી નાણાં મામલે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. વર્ષ 2025-26ના શેરડી પાકની FRPની ચૂકવણી હજુ સુધી નહીં થતાં ખેડૂતોને અચોક્કસ મુદતના ધરણા પર બેસવાની ફરજ પડી છે. અગાઉ આવેદનપત્ર આપી રજૂઆત કરવા છતાં નાણાં નહીં ચૂકવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા સેવાસદન ખાતે ચાલી રહેલા ધરણામાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનો સોમવારે હાજર રહ્યા હતા. બાકી નાણાંની ચૂકવણી મુદ્દે સાંસદ અને ખેડૂત આગેવાનોએ કલેક્ટર સાથે બેઠક કરી હતી. હવે આવતીકાલે વ્યારા સુગરના MD સહિતના આગેવાનો, ખેડૂત સભાસદ આગેવાનો અને કલેક્ટર વચ્ચે મહત્વની બેઠક યોજાશે. ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે રજૂઆતો છતાં ચૂકવણીનો ઉકેલ નહીં આવતા તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. ખેડૂતોના ખાતામાં બાકી નાણાં જમા નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે.
સ્થાનિક નેતાઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠ્યા..?
વ્યારા સુગરના ખેડૂતોના બાકી નાણાં માટે ખેડૂતો ધરણા પર બેઠા છે, ત્યારે સ્થાનિક નેતાઓની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર ખેડૂતોની રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ નહીં આવતા ખેડૂતોને જિલ્લા સેવાસદન સુધી ધક્કા ખાવાની સ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોના હકના નાણાંનો પ્રશ્ન હોય ત્યારે સ્થાનિક નેતાઓની જવાબદારી શું માત્ર રજૂઆત સુધી જ સીમિત છે? ખેડૂતો રસ્તા પર બેઠા છે ત્યારે તેમના પ્રશ્ને મજબૂત અવાજ ઉઠાવવાની જવાબદારી કોની? સ્થાનિક નેતાઓને ખાલી લોકોના વોટની પડી છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ ફૂફાડા મારી વોટ માટે રાત દિવસ દોડાદોડી કરતા હોય છે. પરંતુ જ્યારે ખેડૂતોનો કોઈ પ્રશ્નો હોય ત્યારે નેતાઓ દેખાતા નથી. ખરેખર આવા નેતાઓને ખેડૂતોએ અને પ્રજાએ ઓળખી લેવા જોઈએ અને ઈલેક્શન વખતે તેમનો હિસાબ ચૂકતો કરવો જોઈએ.

