રશિયા-યુક્રન યુદ્ધ વચ્ચે વધુ બે દેશો વચ્ચે ભયંકર યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે. થાઇલેન્ડે તાજેતરમાં કંબોડિયાના વિવાદિત લશ્કરી ઠેકાણાઓ પર F-16 ફાઇટર જેટનો ઉપયોગ કરીને લશ્કરી કાર્યવાહી કરી હતી. થાઇ ક્ષેત્રમાં ભારે ગોળીબાર અને રોકેટ હુમલો થયો ત્યારે આ પગલું લેવામાં આવ્યું હતું. થાઇ સેનાના નાયબ પ્રવક્તા રિચા સુકસુવાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે યોજના મુજબ લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ દરમિયાન, F-16 વિમાનોમાંથી કંબોડિયાના પ્રદેશમાં એક લશ્કરી ઠેકાણાને નષ્ટ કરી દીધો હતો. આ સમયે થાઇલેન્ડે દાવો કર્યો છે કે કંબોડિયા સાથે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન 9 લોકો માર્યા ગયા છે. આ પહેલીવાર નથી કે બંને દેશો વચ્ચે લશ્કરી તણાવ વધ્યો હોય, પરંતુ આ વખતે પ્રતિક્રિયા વધુ આક્રમક અને આયોજનબદ્ધ દેખાય છે. થાઇ સેનાનો દાવો છે કે આ કાર્યવાહી સ્વ-બચાવમાં કરવામાં આવી છે, જ્યારે કંબોડિયાએ તેને ક્રૂર અને બર્બર લશ્કરી આક્રમણ ગણાવ્યું છે.
પ્રેહ વિહાર મંદિરનો છે ઐતિહાસિક વિવાદ:-
આ વિવાદ નવો નથી 12મી સદીના પ્રખ્યાત હિન્દુ મંદિર પ્રેહ વિહારને લઈને બંને દેશો વચ્ચે આ તણાવ દાયકાઓથી ચાલી રહ્યો છે. ૧૯૬૨માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)એ આ મંદિરને કંબોડિયાનો ભાગ જાહેર કર્યું હતું. પરંતુ થાઇલેન્ડના કેટલાક રાષ્ટ્રવાદી જૂથો હજુ પણ તેને પડકારે છે. આ મંદિર માત્ર ઐતિહાસિક મહત્વ જ નથી, પરંતુ તે કંબોડિયન રાષ્ટ્રવાદ અને ધાર્મિક લાગણીઓ સાથે પણ સંકળાયેલું છે. આ વિસ્તારમાં વારંવાર લશ્કરી અથડામણો થઈ છે. અગાઉ, ૨૦૦૮, ૨૦૧૧ અને હવે ૨૦૨૫માં ફરીથી લડાઈ થઈ હતી.
યુદ્ધથી રહેણાંક વિસ્તારમાં નુકસાન:-
આ હુમલાઓએ માત્ર લશ્કરી થાણાઓને જ નહીં પરંતુ નાગરિક વિસ્તારોને પણ અસર કરી હતી. થાઇલેન્ડના મતે, કંબોડિયન સૈનિકોએ સરહદ પર એક લશ્કરી થાણા અને એક હોસ્પિટલને નિશાન બનાવી છે. આ બધું દર્શાવે છે કે સંઘર્ષ હવે લશ્કરી સરહદો સુધી મર્યાદિત નથી. તે સામાન્ય નાગરિકોને પણ અસર કરી રહ્યો છે. માનવાધિકાર સંગઠનોએ બંને દેશોને સંયમ રાખવા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત, UNSCની કટોકટી બેઠક પણ બોલાવવાની માંગ કરવામાં આવી છે.
બંને દેશોએ એકબીજાના રાજદૂતોને હાંકી કાઢ્યા:-
બંને દેશોએ એકબીજાના રાજદૂતોને હાંકી કાઢ્યા છે. થાઇલેન્ડે કંબોડિયા સામે કડક ચેતવણી આપી છે કે જો હુમલાઓ ચાલુ રહેશે તો તે તેની સ્વ-રક્ષણ વ્યૂહરચનાને વધુ તીવ્ર બનાવશે. આ ઘટના માત્ર પ્રાદેશિક સ્થિરતા પર અસર કરશે જ નહીં, પરંતુ ASEAN જેવા આંતરરાષ્ટ્રીય મંચો પર પણ તેના પરિણામો આવી શકે છે. નિષ્ણાતો માને છે કે જો પરિસ્થિતિ એવી જ રહેશે, તો અમેરિકા અને ચીન જેવી વૈશ્વિક શક્તિઓ પણ મધ્યસ્થી માટે આગળ આવી શકે છે.
લેન્ડમાઈનનો નવો મોરચો
આ સંઘર્ષમાં લેન્ડમાઈનનો મુદ્દો પણ ઉભરી આવ્યો છે. થાઈલેન્ડનો દાવો છે કે તાજેતરમાં બનાવેલી લેન્ડમાઈનથી તેના સૈનિકો ઘાયલ થયા હતા, જ્યારે કંબોડિયા કહે છે કે આ જૂની સુરંગોના વિસ્ફોટ હતા. આ આરોપ અને પ્રતિ-આરોપ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા છે કારણ કે લેન્ડમાઈન માત્ર સૈનિકો માટે જ નહીં પરંતુ સ્થાનિક નાગરિકો માટે પણ લાંબા ગાળાનો ખતરો બની શકે છે.