ગુજરાતમાં બુધવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં મહીસાગર નદી પર આવેલો બ્રિજ તૂટી પડ્યો હતો. વર્ષ 1985માં ખુલ્લો મુકાયેલા બ્રિજના બે કટકા થઈ જતા બ્રિજના બાંધકામ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. મધ્ય ગુજરાતના આણંદથી ભરૂચ તરફ જવાના માર્ગ પર આવેલો બ્રિજ ધરાશાયી થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. મહત્વનું છે બ્રિજ તૂટી પડતા મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો હતો તે છતાં બ્રિજ પર અવર-જવર શરૂ રાખવામાં આવી હતી.
બે ઈકોવાન-પીકઅપ નદીમાં પડ્યા:-
બ્રિજ અચાનક તૂટી પડતા બે ઈકોવાન, એક પીકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં પડ્યા હતા. જે બાદ ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ નગર પાલિકા, ફાયર બ્રિગેડ, NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી લોકોને બચાવાની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ ઘટના બાદ ગણતરીની મીનિટોમાં સ્થાનિક તરવૈયાઓએ રેસ્ક્યૂ ઑપરેશન કરી 5 લોકોનું બહાર કાઢી જીવ બચાવ્યા હતા.
બ્રિજનું સમારકામ ન કરાયું:-
વર્ષ 1985માં ખુલ્લો મુકાયેલો બ્રિજનું કોઈપણ જાતનું સમારકામ કરવામાં આવ્યું ન હતું. જેના કારણે બ્રિજ જૂનો અને જર્જરિત થઈ ગયો હતો. ચોમાસાની સિઝન હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ જાતની સતર્કતા દાખવામાં આવી ન હતી. છેલ્લા ઘણાં સમયથી બ્રિજ ધ્રુજતો હોવાના આક્ષેપ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.બ્રિજના બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટીને નદીમાં ખાબક્યો હતો. બ્રિજ તૂટતા બ્રિજ પરથી સવાર ગાડીઓ નદીનામાં ખાબકી હતી.
વર્ષ 2021માં કોંગ્રેસે બ્રિજ બંધ કરવાની માગ કરી હતી:-
વિપક્ષ પાર્ટી કોંગ્રેસ દ્વારા જર્જરિત બ્રિજને બંધ કરવા માટે વર્ષ 2021માં માંગ કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો ન હતો. મહત્વનું છે કે, વર્ષ 2022માં બ્રિજનો સ્ટ્રક્ચર રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બ્રિજનો રિપોર્ટ નેગેટિવ છતાં કોઈ જાતના પગલાં ન લેવાયા હોવાની માહિતી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી રહી છે. જર્જરિત બ્રિજ હોવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકો દ્વારા પણ અનેક વાર તંત્રને રજુઆત કરવામાં આવી હતી. પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સરકારે તપાસના આદેશ આપ્યા:-
બ્રિજ તૂટ્યાની ઘટના બાદ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતમાં કોઈ પણ ઘટના બંને ગુજરાત સરકારના અધિકારીઓ તપાસના આદેશ આપી છટકી જતા હોય છે. પરંતુ જ્યારે બ્રિજની ગુણવત્તા સારી ન હોય તો શા માટે બ્રિજ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવે છે. તેને લઈ મોટા સવાલ સામે આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા જર્જરિત બ્રિજ અંગે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. તે છતાં સરકારે કોઈની વાત સાંભળી નહીં અને આખરે આ જર્જરિત બ્રિજ તૂટી પડ્યો જેમાં માસૂમ લોકોના જીવ ગયા. ગુજરાતમાં આવી ઘટનાઓ ક્યાં સુધી બનતી રહેશે અને સરકાર ક્યાં સુધી તમાશો જોતી રહેશે ?