નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામે આવેલા ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓના કારણે આદિવાસી સમાજના લોકો નાની-મોટી દુકાનો દ્વારા ચા, નાસ્તો, મકાઈ અને પરંપરાગત આદિવાસી વાનગીઓનું વેચાણ કરીને રોજગારી મેળવી રહ્યા હતા. આ દુકાનો દ્વારા તેઓ આત્મનિર્ભર બનવાના કેન્દ્ર સરકારના સ્વપ્નને સાકાર કરી રહ્યા હતા. પરંતુ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આદિવાસીઓ રોજગારી મેળવી પોતાનું જીવનગુજરાન ચલાવે તે ગમ્યું ન હતું અને આ દુકાનોને ગેરકાયદે ગણાવી, તેને તોડી પાડી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ ઘટનાએ આદિવાસી સમાજની રોજગારી છીનવી લીધી છે જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
સ્થાનિક લોકોએ શું કહ્યું ?
સ્થાનિક આદિવાસીઓનું કહેવું છે કે, તેઓ પોતાના વિસ્તારમાં પ્રવાસન સ્થળની નજીક નાના ધંધા દ્વારા આજીવિકા ચલાવી રહ્યા હતા. આ દુકાનો ફોરેસ્ટ વિભાગની જમીન પર હોવાનું કારણ આપી, અધિકારીઓએ કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા વિના તેને તોડી પાડી. આ સ્થળ પર ધોધ જોવા આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હોમગાર્ડ અને પોલીસ જવાનો પણ ડ્યુટી પર હોઈ ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા દુકાનો તોડી પાડવાની આ ઘટનાનો વિડીયો હોમગાર્ડ જવાને પોતાની ડ્યુટીમાં આ વિસ્તારમાં બનતી ઘટન અંગે સાબિતી માટે ઉતાર્યો હતો ત્યારે હોમગાર્ડના જવાનને લુખ્ખી દાદાગીરી કરી ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીએ લાફો મારી દીધો હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી મળી રહી છે. તેમજ આ ઘટના બહાર ન આવે તેવા પ્રયાસો ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ રણજીતસિંહ દિનેશ તડવી (મહાકાળી) જાણ થતા તેઓ ઝરવાણી ગામ ખાતે પીડીતો ની મુલાકાતે પહોંચી આ આ ઘટનાની જાણ કરી મેળવી એકતાનગર ( કેવડિયા) આવેલી ફોરેસ્ટ વિભાગની ઓફિસ પર પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં રોષ અને નિરાશા ફેલાવી છે. તેઓ માંગણી કરી રહ્યા છે કે, સરકારે તેમની રોજગારીની તકો છીનવવાને બદલે, યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરવી જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વૈશ્વિક પ્રવાસન સ્થળે આદિવાસી સંસ્કૃતિ અને વાનગીઓનું પ્રદર્શન ન માત્ર સ્થાનિકોની આજીવિકા માટે જરૂરી છે, પરંતુ તે ગુજરાતના પ્રવાસનને પણ વધુ આકર્ષક બનાવે છે.
આ ઘટના બાદ સ્થાનિકોમાં સવાલ ?
પ્રવાસન સ્થળ પર આદિવાસીઓ માટે ધંધો કરવો ગુનો કેમ ?
કેમ આત્મ નિર્ભર થતા આદિવાસીઓને સરકારી બાબુઓ દ્વારા હેરાન કરવામાં આવે છે.?
શું પોતાના વિસ્તારમાં ધંધો કરવા માટે પણ સરકાર ની મંજૂરી લેવાનું આ કેવો વિકાસ?
ક્યાં છે સ્થાનિક સત્તા પક્ષના નેતાઓ..? જે આવી ઘટનાઓ પર મૌન ધારણ કરી લે છે.!