વાપીથી વ્યારા સુધીનો 130 કિલોમીટરનો નેશનલ હાઈવે 56ને વિકસાવવાનો પ્રોજેક્ટને સરકારે રદ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજનાની મંજૂરી સામે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજે ઉગ્ર આંદોલન કરતાં સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરવાની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત વાપી-શામળાજી નેશનલ હાઈવે 56ને ફોરલેન બનાવવાની જાહેરાત થઈ હતી. આ પ્રોજેક્ટ સામે પણ આદિવાસી સામજે ભારે વિરોધ કર્યો હતો અને એક ઈંચ જમીન નહીં આપીએ તેવા સુત્રો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. સતત વિરોધના કારણે સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે. થોડા સમય પહેલા કેન્દ્ર સરકારે પારડી-કપરડા ફોરલેન માટે 800 કરોડની મંજૂરી આપી હતી. જેની સામે વાપી-વ્યારા ફોર લેનનો પ્રોજેક્ટ રદ થતાં 1600 કરોડ રૂપિયા નામંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, વાપી-શામળાજી નેશનલ હાઇવે 56 આદિવાસી પટ્ટામાંથી પસાર થાય છે. વર્ષ 2022-23માં સરકારે નેશનલ હાઇવેને વિકસાવવા ફોર લેનની જાહેરાત કરી હતી. પરંતુ પ્રોજેક્ટ રદ થતાં હાલમાં વાપીથી સોનગઢ-વ્યારા સુધીના 130 કિલોમીટરમાં જમીન સંપાદનની એન્ટ્રી પાછી ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ફોરલેન પ્રોજેક્ટ રદ મુદ્દે MLA અનંત પટેલનું નિવેદન:–
વાપીથી-વ્યારા સુધીના ફોરલેન પ્રોજેક્ટ રદ થવા મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નિવેદન આપતા કહ્યું કે, નાના-નાના આદિવાસી સમાજના ખેડૂતો ખેતી કરતા હતા. તેમજ પશુપાલનનો વ્યવસાય કરી નિર્વાહ ચલાવતા હતા. ખાસ કરીને અત્યારે જે નેશનલ હાઈવે 56 છે. એનેજ સારી રીતે બનાવવામાં આવે તો કોઈ વાંધો વિરોધ નથી. પરંતુ હાઈવેને છોડીને અમુક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે જે પ્લાનિંગ ચાલી રહ્યું હતું તેનો ખાસ વિરોધ અમારો હતો. અત્યારે જે રોડ છે અને સારી રીતે મરામત કરીને બનાવે એવી અને અપેક્ષા. વ્યારાથી શામળાજી સુધી ફોરલેન મુદ્દે તેમણે કહ્યું કે, એમાં ત્યાંના સ્થાનિકોએ કાચુ કાપ્યું હોય અથવા તો એમણે બરાબર DPR જોયો નથી એવું લાગે છે. પરંતુ તાપી, નવસારી, વલસાડની વાત કરીએ તો, બધીજ જગ્યાએ ધરમપુર, પારડી, વાપી, ડોલવણ, વ્યારા, સોનગઢ જે જગ્યાએથી આ રસ્તો જવાનો હતો. ત્યાં આપણે વિરોધ કર્યો હતો. મારે તો એટલુ કહેવું છે કે, જે અત્યારે રોડ છે એમાં જ સારી મરામત કરીને રોડ બનાવો એમાં અમને કોઈ વાંધો નથી.
ક્યા વિસ્તારમાં ફોરલેન હાઈવે બનવાનો હતો ?
સરકારે વાપી-શામળાજી નેશનલ હાઈવેને વિકસાવવાની જાહેરાત કરી હતી જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક તાલુકાઓ જેમ કે, વ્યારા, સોનગઢ, ઉનાઇ, વાંસદા, ધરમપુર, નાનાપોંઢા, મોટાપોંઢા અને વાપી સુધીના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે. હવે વ્યારાથી શામળાજી સુધી ફોરલેન બની શકે છે.

