ગુજરાતમાં પડી રહેલા માવઠાંને કારણે સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરથી વધુ વાવતેર વિસ્તારમાં ખેતી પાકોને નુકસાન થયું છે. મહત્તમ નુકસાન કપાસ અને મગફળી અને ડાંગર જેવા પાકોમાં થયું હોવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ બધાં વચ્ચે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરશે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.
રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે. તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. હું સતત આ સંદર્ભે મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છું. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજની જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.


