તા.૦૮/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૦૯/ ૨૦૨૫ સુધીના પંદરમી ગુજરાત વિધાનસભાના સાતમા સત્ર દરમિયાન સભાગૃહની કુલ-૦૩ બેઠકો મળી. સત્ર દરમિયાન વિધાનસભાએ કુલ- ૧૫ કલાક ૫૬ મિનિટ કામ કર્યુ. સત્ર દરમિયાન કુલ-૫૩ માનનીય સભ્યઓએ ચર્ચામાં ભાગ લીધો. સત્ર દરમિયાન કુલ-૦૭ સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવ્યા અને સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માનમાં સભાગૃહ મુલત્વી રાખવામાં આવ્યુ. વધુમાં, ગુજરાત વિધાનસભાની પ્રણાલી અનુસાર વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડીયમ ખાતે સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કરવામાં આવેલ છે તથા ઉક્ત અનાવરણ વિધિમાં માન. મુખ્યમંત્રી, માન. અધ્યક્ષ, સ્વ વિજયભાઇ રૂપાણીના પરિવારજનો તેમજ માન. ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
સત્ર દરમિયાન સભાગૃહમાં મૌખિક જવાબો માટેના કુલ-૧૨૨૫ તારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહમાં રજૂ થયા તે પૈકી કુલ-૨૯ પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરવામાં આવી. સત્ર દરમિયાન કુલ-૧૪૯ અતારાંકિત પ્રશ્નો મળેલ અને ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૮૭(ક) હેઠળ ૬૩ અતારાંકિત પ્રશ્નોની યાદી મેજ ઉપર મૂકવામાં આવી. સત્ર દરમિયાન કુલ ૦૫ સરકારી વિધેયકો ગૃહે પસાર કર્યા.
તા.૦૯/૦૯/૨૦૨૫ના રોજ સભાગૃહમાં માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા “ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવવા” અંગેના સરકારી પ્રસ્તાવનો સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો તથા માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા “જી.એસ.ટી.ના દરોના પ્રજાલક્ષી રીફોર્મ્સ માટે વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવવા” અંગેના સરકારી પ્રસ્તાવને પણ વિના વિરોધે સ્વીકાર કરવામાં આવ્યો. સત્રના છેલ્લા દિવસે એટલે કે તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૧૦૨ અંતર્ગત “વોકલ ફોર લોકલ” અંગેના છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા કરવામાં આવી.
સત્ર દરમિયાન કુલ-૦૧ પોઇન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાના નિયમોના નિયમ-૪૪ અન્વયે જાહેર અગત્યની બાબત પર માનનીય કૃષિ મંત્રીશ્રી દ્વારા સભાગૃહમાં નિવેદન કરવામાં આવ્યુ. સત્ર દરમિયાન કુલ-૦૭ સમિતિની બેઠકો મળી અને જુદી જુદી સમિતિઓના કુલ-૦૯ અહેવાલો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા.
બંધારણ તથા પ્રવર્તમાન કાયદાની જોગવાઇઓ અન્વયે બોર્ડ/કોર્પોરેશનોના કુલ-૨૩ અહેવાલો સભાગૃહના મેજ ઉપર મુકવામાં આવ્યા. વર્તમાન સત્ર દરમિયાન છઠ્ઠા સત્ર દરમ્યાન વિધાનસભાએ પસાર કરેલા જેને રાજ્યપાલશ્રીની અનુમતિ મળેલ છે તેવા ૦૬ વિધેયકો વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યા. ઉપરાંત ૦૬ અધિસૂચના અને ૦૨ વટહુકમ અને ૦૧ બાંહેધરી પત્રક તેમજ નિરીક્ષકશ્રી, સ્થાનિક ભંડોળ હિસાબના સન ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના મહાનગરપાલિકાઓના ઓડિટ અહેવાલો
તા.૦૯/૦૯/૨૦૨૫ના રોજ તેમજ સને ૨૦૨૩-૨૪ના વર્ષ માટેના રાજ્યની નાણાકીય પરિસ્થિતિ પરનો ઑડિટ અહેવાલ, મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેનો માર્ચ ૨૦૨૨ના પૂરા થતા વર્ષ માટેનો અહેવાલ અને ગુજરાતમાં જિલ્લા ખનીજ નિધિ ટ્રસ્ટ સહિત પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણના કામગીરી ઑડિટ પરનો અહેવાલ તા.૧૦/૦૯/ ૨૦૨૫ના રોજ સભાગૃહના મેજ ઉપર મૂકવામાં આવ્યા. સત્ર દરમિયાન રાજ્યમાંથી ૪૦૧૬ જેટલા પ્રેક્ષકોએ ગૃહની કાર્યવાહી નિહાળી.
માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બુધવાર, તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ વિધાનસભાની નાણાકીય તેમજ બિન-નાણાકીય તમામ સમિતિઓની મુદ્દત પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર સુધી લંબાવવાની જાહેરાત કરી.