વલસાડ રૂલર પોલીસે સરોડી ગામ નજીક શ્રી સાંઈ આઈમાતા હોટેલમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત સામાન જપ્ત કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે હોટલ પરિસરમાં દરોડા પાડ્યા હતા. હોટલ પરિસર અને પાછળના રૂમમાંથી ૧૨ લોખંડના સળિયા અને ૬ ચેનલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ૮૧ પામ ઓઈલ કેન, એક ઈલેક્ટ્રોનિક ફોર્ક અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. બે ટેન્કર અને એક ટ્રકમાંથી જપ્ત કરાયેલા માલ સહિત જપ્ત કરાયેલા માલની કુલ કિંમત રૂપિયા ૧,૨૯,૫૩,૧૬૮ હોવાનો અંદાજ છે.
પાંચ આરોપીઓની ધરપકડ:-
આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં પુનારામ કોલાજી ચૌધરી (રાજસ્થાન), ભરતભાઈ રેવાભાઈ ભરવાડ (વલસાડ), સાવરિયા દેવકરણ ગુર્જર (રાજસ્થાન), કુલદીપસિંહ ગુરચરણસિંહ (હરિયાણા) અને પ્રમોદકુમાર જવાહરલાલ યાદવ (ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ ટેન્કરમાંથી પામ ઓઈલ અને ટ્રકમાંથી લોખંડનો સામાન ઉતારી રહ્યા હતા અને સસ્તા ભાવે વેચી દેતા હતા. પકડાયેલા શખ્સો સામે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા-૨૦૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની વધુ તપાસ પીએસઆઈ વી.એ. વસાવાને સોંપવામાં આવી છે.