ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈ ચર્ચા ચાલી રહી હતી. પરંતુ ગુરુવારે કોંગ્રેસ પાર્ટીએ આ ચર્ચાનો અંત લાવી દીધો છે. કોંગ્રેસ પાટીએ ગુજરાતમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાની જાહેરાત કરી છે. જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ગત સપ્તાહે કૉંગ્રેસના નેતાઓએ દિલ્લીમાં મોવડીમંડળ સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ ગુરૂવારે ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને દિલ્લીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસે ST-OBC સમાજને પ્રાધાન્ય આપ્યું:-
નેશનલ કોંગ્રેસ પાર્ટીએ OBC સમાજમાંથી અમિત ચાવડાને કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષની જવાબદારી આપી OBC સમાજને પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ ST સમાજને પ્રાધાન્ય આપી વિપક્ષના નેતા તરીકે તુષાર ચૌધરીની વરણી કરવામાં આવી છે. ખાસ કરીને તુષાર ચૌધરી યુવા નેતા તરીકે જાણીતા છે. તુષાર ચૌધરી વિધાનસભામાં સરકારને જનતાના પ્રશ્નો પર ઘેરવા અને વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા અસરકારક રીતે ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. તેમની નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષની રણનીતિને નવી દિશા મળશે તેવી આશા છે. ખાસ કરીને શક્તિસિંહના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે.