ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. તેવી માહિતી અમે નથી આપી રહ્યા પરંતુ આ વાત ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે કહી છે. કૈફના આ નિવેદનથી આખી દુનિયા આશ્ચર્યચકિત છે. કૈફ માને છે કે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચમાં પોતાનું સર્વસ્વ આપવા છતાં નિષ્ફળ ગયા બાદ, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે માન્ચેસ્ટરમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ ખૂબ થાકેલો દેખાઈ રહ્યો છે. તે પોતાની જૂની લયમાં જોવા મળી રહ્યો નથી. ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં બુમરાહએ 28 ઓવર બોલિંગ કરી હતી. પરંતુ તેને ફક્ત એક જ વિકેટ મળી હતી. આ દરમિયાન બુમરાહએ 95 રન આપ્યા છે. શુક્રવારે ત્રીજા દિવસના છેલ્લા સત્રમાં તેમણે જેમી સ્મિથની વિકેટ લીધી હતી.
શું બુમરાહ નિવૃત્તિ જાહેર કરશે ?
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે સોશિયલ મીડિયા ‘X’ પર પોસ્ટ કરેલા પોતાના વીડિયોમાં કહ્યું, “મને લાગે છે કે જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ (પાંચમી) નહીં રમે. તે નિવૃત્તિ પણ લઈ શકે છે. તે પોતાના શરીર સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ ટેસ્ટ મેચમાં તેની ગતિ ઓછી થઈ ગઈ છે. બુમરાહ એક પ્રામાણિક વ્યક્તિ છે, જો તેને લાગે કે તે દેશને પોતાનું 100 ટકા આપી શકતો નથી, તો તે પોતાને આ ફોર્મેટથી અલગ કરી લેશે. વિકેટ ન મળવી એ અલગ વાત છે, પરંતુ તેના બોલની ગતિ પણ ઘટીને 125-130 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે.
Bumrah to retire from tests? pic.twitter.com/PnMR2y6oEi
— Mohammad Kaif (@MohammadKaif) July 26, 2025
મોહમ્મદ કૈફ માને છે કે ચાહકોએ હવે પોતાને આ સત્ય માટે તૈયાર રાખવું જોઈએ કે ભવિષ્યમાં તેઓ બુમરાહને ટેસ્ટ ક્રિકેટમાં ઓછું રમતા જોશે. કૈફે કહ્યું, “બુમરાહના જુસ્સા અને સમર્પણ વિશે કોઈ શંકા નથી, પરંતુ હવે તેનું શરીર હાર માની રહ્યું છે. આ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેને ભવિષ્યમાં ટેસ્ટ મેચ રમવામાં સમસ્યા થશે. કદાચ તે ટેસ્ટ ક્રિકેટથી દૂર રહેશે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિન પછી, હવે ભારતીય ચાહકોને બુમરાહ વિના રમત જોવાની આદત પાડવી પડશે. હું ઇચ્છું છું કે મારી આ આગાહી ખોટી સાબિત થાય, પરંતુ હું જે જોયું તે કહી રહ્યો છું.