અમદાવાદમાં બનેલી દુ:ખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. એક ખાનગી સમાચાર એજન્સીના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે, રિપોર્ટમાં તપાસકર્તાઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે, જે હાલમાં સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરી રહી છે. નોંધનીય છે કે આ ભયાનક અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત પછી તરત જ કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો.
કેવી રીતે ઘટના બની હતી?
12 જૂનના રોજ, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી, લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન મેઘણીનગર વિસ્તારમાં સ્થિત એક હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું. આ દુ:ખદ અકસ્માતમાં, વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા. જ્યારે જમીન પર રહેલા ઘણા લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા. આ અકસ્માતમાં, વિમાનમાં સવાર એક મુસાફર કોઈક રીતે બચી ગયો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બ્લેક બોક્સમાંથી ડેટા મળી આવ્યા:-
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્રેશ સ્થળ પરથી મળેલા બ્લેક બોક્સના ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM)ને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું હતું. આ પછી, 25 જૂન, 2025ના રોજ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની લેબમાં તેના મેમરી મોડ્યુલમાંથી ડેટા સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. બ્લેક બોક્સમાં ફ્લાઇટ સંબંધિત ટેકનિકલ અને સંદેશાવ્યવહારનો સંપૂર્ણ રેકોર્ડ છે, જે અકસ્માતના વાસ્તવિક કારણો શોધવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તપાસ એજન્સીઓએ હવે ડેટાનું વિશ્લેષણ કરવું પડશે જેથી સ્પષ્ટ થાય કે અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો છે કે માનવ ભૂલને કારણે થયો હતો તેનું સાચુ કારણ સામે આવી શકે છે.