ઉમરપાડા તાલુકો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત છે આ તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ નિવાસ કરે છે આદિવાસી સમાજ વર્ષોથી પોતાની અલગ વેશભૂષા સંસ્કૃતિ અને જીવનશૈલીથી વિશેષ નીવડી આવે છે. અને આજ આદિવાસી સમુદાયની ઓળખ એટલે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આ દિવસે વિશ્વના દરેક આદિવાસી સમાજના લોકો ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે વર્ષ 2025 ના રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવી હતી.ઉમરપાડા તાલુકા મથકે ઉજવવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી જેમાં લોકો આદિવાસી સંસ્કૃતિની વેશભૂષામાં તેમજ ક્રાંતિકારીઓની ઓળખ સ્વરૂપે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉજવણીમાં આવેલા લોકો વિશેષ આદિવાસી પહેરવેશ મા આવ્યા હતા. આ કાર્યક્રમ રેલી સ્વરૂપે ઉમરપાડા પીનપુર ચોકડી થી લઈને પેટ્રોલ પંપ સુધી ગઈ હતી. જેમાં મહારાષ્ટ્ર એ આવેલા મનોરંજન કારી ઘેરૈયા ઓ તેમજ કોલવાણ ગામથી આવેલ બિરસા મુંડા ગ્રુપ સાથે જ ઉમરપાડા તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
બિરસા મુંડા
ઝારખંડ રાજ્ય ના નાનકડા ગામમાં જન્મેલા વીર બિરસા મુંડા આદિવાસી જનનાયક અને સ્વતંત્ર સેનાની તરીકે ખૂબ નાની ઉંમરમાં લોકો વચ્ચે પ્રસિદ્ધ થયા. તેમણે અનેક આંદોલન કર્યા આદિવાસીઓના જીવનને અંગ્રેજોના દલદલ માંથી બહાર કાઢવા તેમણે ઘણા પ્રયત્નો કર્યા. ખૂબ નાની ઉંમરમાં સ્વતંત્ર સેનાની એવા બિરસા મુંડા લોકો વચ્ચે એટલા પ્રસિદ્ધ થયા જેના કારણે આસપાસના લોકો તેમને ધરતી આબા નામ થી ઓળખવા લાગ્યા. ભારત દેશના આદિવાસી સમાજ ના લોકો તેમને ભગવાન બિરસા મુંડા કહે છે જેથી તેમને ભારત દેશનો આદિવાસી સમુદાય ભગવાન સ્વરૂપે પૂજે છે ત્યારે ઉમરપાડા તાલુકામાં ઉજવવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસ ના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની પણ એક ઝલક જોવા મળી હતી. કોલવાડ ગામના લોકો દ્વારા આ કૃતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં બિરસા મુંડા સ્વરૂપે હુબહુ એક 60 વર્ષીય વ્યક્તિને તૈયાર કરવામાં આવ્યા હતા. જે ઉજવણીમાં આવેલ આદિવાસી લોકો અને અન્ય સમાજના લોકો વચ્ચે લોકપ્રિય બન્યા હતા.
ઘેરૈયા
આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર એટલે કે હોળી આ તહેવારે ગામના દરેક ઘરમાંથી એક પુરુષ ઘેરૈયા બનતા હોય છે જે હોળીથી પાંચમ સુધી મનોરંજન રુપી વેશભૂષામાં જોવા મળતા હોય છે. જેમાં કમરે ખંજર અને પગે પણ ખંજરો સાથે શરીર પર સફેદ રંગના ટપકા હાથે લાકડી અને તીરકામઠું સાથે માથે રંગીન ઝબકતી અને આકર્ષિત ટોપી જેવા પહેરવેશો સાથે જોવા મળતા હોય છે. ઉમરપાડા ખાતે ઉજવવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ઘેરૈયાઓની પણ ઝલક જોવા મળી હતી હાથે તીરકામટા ધાર્યા માથે રંગીન ટોપી અને કમરે ખંજર (ઘુઘરા) સાથે જોવા મળ્યા હતા. જે ઉજવણીમાં આવેલા લોકો માટે આકર્ષણના કેન્દ્ર બન્યા હતા.