ગુજરાતમાં લો પ્રેશર સર્જાતા બે દિવસથી ગુજરાતના 29 જિલ્લાઓમાં 10 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર- દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યાના 29થી વધુ જિલ્લાઓમાં ૧ થી ૬ જેટલા વરસાદ નોંધાયો હતો. ડાંગમાં 10 કલાકમાં 10 ઇંચ, વાપીમાં 6.81, ઓલપાડમાં 3.50 અને ઉમરગામમાં ત્રણ ઇંચ, કામરેજ અને બારડોલીમાં બે-બે ઇંચ તેમજ સુરતમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ઉકાઈ ડેમમાં 11 હજાર ક્યૂસેક પાણીની આવક
તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં ગુરુવારે સિઝનમાં પહેલીવાર 11 હજાર ક્યૂસેક પાણીની આવક શરૂ થઈ છે. આગામી દિવસોમાં ડેમમાં પાણીની આવકના પ્રમાણમાં દર દિવસે 18 એમસીએમ નવું પાણી ઉમેરાયું હતું. ડેમની સંપૂર્ણ સપાટી 345 ફૂટ છે જેની સામે ગુરુવારે 314.72 ફૂટે પહોંચી હતી આજ રીતે મીંઢોળા નદી પરનો ડોસવાડા ડેમમાં ઉપરવાસમાં ડાંગ અને સોનગઢના જંગલોમાં વરસાદ નોંધાતા સીઝનમાં પહેલીવાર ડોસવાડા ડેમમાં પાણી નોધાયું હતું. બુધવારે ડેમમાં કુલ 2.15 એમસીએમ પાણીનો સંગ્રહ હતો. જે ગુરુવારે વધીને 2.23 એમસીએમ થયો હતો ડોસવાડા ડેમની કુલ સંગ્રહ શક્તિ 3.43 એમસીએમ છે. એટલે કે સોનગઢ તેમ જ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડતા ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે. ખેતીલાયક વરસાદ વરસતા તાપી જિલ્લાના ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ ખેતરોમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.