તાપી LCB તથા પેરોલ ફર્લો સ્કવોડે સોનગઢ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં તા. 17 એપ્રિલ 2026ના રોજ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. 16 એપ્રિલની રાત્રે અજાણ્યા ચોરોએ ફરિયાદીના ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. લોખંડના કબાટમાંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂ. 24,500 અને રોકડા રૂ. 40,000ની ચોરી કરી હતી. ઉપરાંત અન્ય બે સ્થળેથી પણ રોકડ અને દાગીનાની ચોરી કરી કુલ રૂ. 86,200નો મુદ્દામાલ ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા.
બીજા બનાવમાં તા. 22 એપ્રિલ 2026ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. 18 એપ્રિલની રાત્રે ચોરોએ ઘરમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાંથી 11 ગ્રામની સોનાની ચેન કિંમત રૂ. 33,000 તથા 160 ગ્રામની ચાંદીની સાંકળ કિંમત રૂ. 6,400 મળી કુલ રૂ. 39,400ના દાગીનાની ચોરી કરી હતી. અન્ય એક મકાનમાં પણ ઘરના ધાબા પરથી પ્રવેશ કરી કબાટનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના તથા જરૂરી દસ્તાવેજોની ચોરી કરી હતી.

બંને ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે વ્યારાના નવા બસ સ્ટેન્ડ સામેથી માર્કેટયાર્ડ તરફ જતા રોડ પાસેથી કમલેશ બધિયા પલાસ (ઉંમર 23, રહે. ખજુરીયા ગામ, ઓડ ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછમાં કમલેશ પલાસે તેના કૌટુંબિક ભાઈ રાકેશ વસના પલાસ અને મિત્ર કૈવલ મનિયા ભાભોર સાથે મળીને એપ્રિલ 2026માં મજૂરી કામના બહાને ડોસવાડા ખાતે રોકાઈ રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી પાસેથી રૂ. 4,570 રોકડા મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓ:-
કમલેશભાઈ બધિયાભાઈ પલાસ, ઉંમર 23 વર્ષ, રહે. ખજુરીયા ગામ, ઓડ ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ.
વોન્ટેડ આરોપીઓ:-
1. રાકેશ વસના પલાસ, રહે. ખજુરીયા ગામ, ખાટા ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ.
2. કૈવલ મનિયા ભાભોર, રહે. કાટુ ગામ, તા. ધાનપુર, જી. દાહોદ.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ મજૂરી કામના બહાને પડાવમાં રહી આસપાસના ઘરોની રેકી કરતા અને રાત્રિના સમયે ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

