ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલું રહેલું યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બંને દેશો વચ્ચે છેલ્લા સાત દિવસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, બંને તરફથી બોમ્બમારો અને મિસાઇલો છોડવામાં આવી રહી છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. આ બધાં વચ્ચે ઈરાને ઈઝરાયલ પર મોટો વળતો હુમલો કર્યો છે. ઇઝરાયેલના બીરશેબામાં સોરોકા હોસ્પિટલ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. ઈરાન દ્વારા દક્ષિણ ઇઝરાયેલના શહેર બીરશેબામાં સોરોકા મેડિકલ સેન્ટર પર મિસાઇલો છોડવામાં આવી હતી. આ હોસ્પિટલ ઇઝરાયલની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે. હુમલા બાદ ઇઝરાયલી મીડિયામાં જાહેર કરાયેલા ફૂટેજમાં હોસ્પિટલની તૂટેલી બારીઓ અને કાળો ધુમાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. IDFએ હોસ્પિટલનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે જેમાં હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે.
સોરોકા મેડિકલ સેન્ટર પર મિસાઇલથી હુમલો
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાની કડક નિંદા કરી છે. ગુરુવારે સવારે, ઈરાનના આતંકવાદી સરમુખત્યારોએ બીરશેબામાં સોરોકા હોસ્પિટલ અને દેશના મધ્યમાં નાગરિક વસ્તી પર મિસાઇલથી એટેક કર્યો હતો. જે બાદ બેન્જામિને એક્સમાં લખ્યું હતું કે, ઈરાને મોટી ભૂલ કરી છે. અમે તેહરાનના સરમુખત્યારોને સંપૂર્ણ કિંમત ચૂકવવા માટે મજબૂર કરીશું.
હુમલાથી હોસ્પિટલમાં અંધાધૂંધી મચી :-
સોરોકા મેડિકલ સેન્ટર અને હોસ્પિટલમાં 1,000 વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં લગભગ 10 લાખ લોકોને આરોગ્યસંભાળની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલના વહીવટીતંત્રએ જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ સેન્ટરના ઘણા ભાગોને ભારે નુકસાન થયું છે. ઘણા ઈજાગ્રસ્ત લોકોની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી, જેમને હવે અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ મેનેજમેન્ટે નવા દર્દીઓના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે.
તેલ અવીવમાં ભારે વિનાશ
આ હુમલાની સીધી અસર ઇઝરાયલની આરોગ્ય સેવાઓ પર જ નથી પડી, પરંતુ સમગ્ર પ્રદેશમાં ભય અને ચિંતાનું વાતાવરણ પણ ઉભું થયું છે. ઈરાને રામત ગાન અને હોલોન શહેરોને પણ નિશાન બનાવ્યા છે. તેલ અવીવમાં સૌથી ખરાબ તબાહી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલ અવીવના અલગ અલગ વિસ્તારોમાં 7 ઈરાની મિસાઈલ પડી છે.