ચિરાગ ગુપ્તાનો અહેવાલ, છોટાઉદેપુર
ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું ગુજરાતનું છેલ્લું ગામ એટલે હાંફેશ્વર ગામ. વિકાસના દાવાઓ વચ્ચે અહીં શિક્ષણની હકીકત ચોંકાવનારી છે. ગામના એક વિસ્તારમાં ધોરણ 1 થી 5ની શાળા કોઈ સરકારી મકાનમાં નહીં પરંતુ એક કાચા ઝૂંપડામાં ચાલી રહી છે. જ્યાં ન તો વીજળી છે, ન પીવાના પાણીની સુવિધા અને ન તો બાળકો માટે રમતગમતનું મેદાન. છેલ્લા આઠ વર્ષથી શાળાનું મકાન મંજૂર હોવા છતાં આજદિન સુધી પાકી શાળા ન બનતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ડુંગરની ટોચ પર આવેલું આ કાચું ઝૂંપડું બહારથી સામાન્ય મકાન જેવું લાગે છે, પરંતુ હકીકતમાં અહીં ગામના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. નળિયાવાળી છત, કાચી દીવાલો અને મૂળભૂત સુવિધાઓના અભાવ વચ્ચે ધોરણ 1 થી 5ના આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં વીજળીની કોઈ વ્યવસ્થા નથી, પીવાના પાણીની સુવિધા નથી.બાળકો માટે બેસવાની પણ પૂરતી વ્યવસ્થા નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સરકારી શાળા માટે ઉપયોગમાં લેવાતું મકાન ખાનગી માલિકનું છે, જ્યાં મકાન માલિક પોતાનો પરિવાર અને પશુઓ સાથે રહે છે.
ઉનાળાના સમયે લાઇટ પંખો ન હોય બાળકો ગરમીથી ત્રસ્ત બને છે.અને હવે ચોમાસાના સમયે કાચી છત ઉપરથી પાણી પણ પડે છે. છત ઉપરથી તો ઠીક મકાનની કાચી દીવાલો હોવાથી ચારો તરફથી પાણી આવે છે.ક્યારેક તો ઝેરી જાનવરોનો પણ ડર રહેતો હોય છે.ગામના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા બાળકો કોતરોમાંથી તેમજ ડુંગરાળ વિસ્તારમાંથી જીવના જોખમે સ્કૂલે પહોંચી રહ્યા છે. ચોમાસાના સમયે તો કોતરોમાં પાણી ભરાતા અહીં આવવું જોખમી બને છે.
ગામના લોકોના જણાવ્યા અનુસાર અંહી સ્કૂલ મંજૂર થઈ હોવા છતાં સ્કૂલનું પાકું મકાન ન બનતા છેલ્લા આઠ વર્ષથી બાળકોનું શિક્ષણ અટકી ન જાય તે માટે મકાન માલિકે પોતાનું ઝૂંપડું શાળા માટે આપ્યું છે, પરંતુ તેના બદલામાં તંત્ર દ્વારા કોઈ ભાડું પણ ચૂકવવામાં આવતું નથી. અને આજ મકાનમાં મકાન માલિકનો પરિવાર પણ રહે છે.ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. જોખમી રસ્તા અને કાચા મકાનને કારણે ઘણા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે. પરિણામે ગામમાં ડ્રોપઆઉટ રેશિયો પણ વધી રહ્યો છે.અને અત્યારે પણ શાળામાં માત્ર 18 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા આઠ વર્ષ પહેલા શાળાનું મકાન મંજૂર કરવામાં આવ્યું હતું, છતાં આજે પણ બાળકો ઝૂંપડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે પાકી શાળાનું નિર્માણ કરવામાં આવે જેથી બાળકોને સુરક્ષિત અને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે. બીજી તરફ શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ગામમાં શાળા બનાવવા માટે જરૂરી જમીન ઉપલબ્ધ નથી. ગ્રામ પંચાયત દ્વારા જમીન ફાળવવામાં આવશે ત્યારબાદ શાળાનું મકાન બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એક તરફ સરકાર શિક્ષણનું સ્તર સુધરે તેવા પ્રયાસો કરી રહી છે. તો બીજી તરફ રાજ્યના છેવાડાના ગામમાં બાળકો આજે પણ ઝૂંપડામાં ભણવા મજબૂર બન્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે છેલ્લા આઠ- આઠ વર્ષથી મંજૂર થયેલી શાળાને જમીન અને મકાન ક્યારે મળશે?





