તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના છેવાડાના આદિજાતિ વિસ્તારોમાં રૂ. ૫ કરોડના ખર્ચે રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે જનસુવિધાના વિવિધ વિકાસ કામો લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે જણાવ્યુ કે, ભીંતબુદ્રક ગામે રંગાવલી નદી પર રૂ. ૨ કરોડના ખર્ચે તાલુકાનો નવનિર્મિત સૌથી લાંબો મેઝર બ્રિજથી આ વિસ્તારના ગામના લોકોને સાડા ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું. પરંતુ હવે આ નવો બ્રિજ શરૂ થવાને કારણે આ અંતર ઘટીને માત્ર ૧ કિલોમીટર જેટલું જ રહી જશે.

સાથોસાથે મંત્રીએ ભડભુંજા ગામ ખાતે રૂ. ૩ કરોડના ખર્ચે ૨.૭૦ કિલોમીટર લાંબો નવો માર્ગ અને ચોમાસામાં પાણીમાં ડૂબી જતા જૂના પુલોના સ્થાને ૩ ઉંચા બોક્સ કલવર્ટનું લોકાર્પણ કરતા જણાવ્યુ કે, સ્થાનિકોની રજૂઆતને કેન્દ્રમાં રાખીને સરકારે આ સંવેદનશીલ નિર્ણય લઈને મંજૂરી આપી હતી.

નોંધનીય છે કે, નવો પાકો રોડ અને બોક્સ કલવર્ટ બનવાથી નાગરિકો આવાગમન માટેનું અંતર ઘટશે. આ સુવિધાથી દેમોગરા માતાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ, સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને બારેમાસ ઉત્તમ કનેક્ટિવિટી મળશે.આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી જાલમસિંહ વસાવા, ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉચ્છલ માર્ગ અને મકાન (પંચાયત) પેટા વિભાગના મદદનીશ ઇજનેરશ્રી દેવ કુમાવત, વિભાગીય સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

